
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ડીએપી ખાતર માટે ભારે અછત, ખેડુતો વલખા મારી રહ્યા છે ,અરવલ્લી જિલ્લામાં ખેડૂતોની વ્યથા વધતી જાય છે
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં છેલ્લા બે દિવસથી ડીએપી ખાતર માટે ભારે અછત સર્જાઈ હોય તેવો ઘાટ છે. તાલુકાના વિતરણ કેન્દ્રો સામે લાંબી લાઈનો જોવા મળી રહી છે.અનેક ખેડુતો બે બે દિવસથી ખાતર મેળવવા માટે ધક્કામુક્કી સહન કરી રહ્યા છે, તો મહિલાઓ ઘરકામ છોડીને વહેલી સવારથી લાઈનમાં ઊભી રહે છે.
ખેડૂતોના આક્ષેપ મુજબ, મેઘરજના બજારોમાં ડીએપી ખાતર ખુલ્લેઆમ કાળા બજારમાં ₹2500 સુધીના ભાવે વેચાતું જોવા મળી રહ્યું છે. ખેડૂતો કહે છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવે ખાતર મળવું મુશ્કેલ બની ગયું છે.એક તરફ કમોસમી વરસાદના કારણે પહેલેથી જ પાકને ભારે નુકશાન થયું છે, જ્યારે બીજી તરફ ખાતર માટેની અછત ખેડૂતોને વધુ મુશ્કેલીમાં મૂકી રહી છે. ગરીબ ખેડૂતો લાઈનમાં ઊભા રહી રહ્યા છે, જ્યારે મળતિયા લોકોને ખાતર આસાનીથી મળી જાય છે એવી ચર્ચાઓ પણ ગામડાઓમાં ચાલી રહી છે.સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ ખેડૂતોની વેદના સાંભળવા માટે આગળ આવતાં નથી. ખેડૂત સમાજમાં રોષ અને નિરાશાનો માહોલ છવાયો છે.ખેડૂતોનું કહેવું છે કે “એકબાજુ કુદરત રૂઠી છે અને બીજીબાજુ ખાતર માટે મારામારી ચાલી રહી છે. હવે ખેડૂત બિચારો જાય તો જાય ક્યાં..?”







