ઝારોલા હાઇસ્કુલમાં સુખી પરિવારની સંકલ્પનાના દર્શન કરાવાયા.

ઝારોલા હાઇસ્કુલમાં સુખી પરિવારની સંકલ્પનાના દર્શન કરાવાયા.
તાહિર મેમણ : આણંદ – 04/07/2024- જો શિક્ષકનો પરિવાર સુખી ,તો શિક્ષક સુખી અને જો શિક્ષક સુખી હોય તો વિદ્યાર્થીઓને પ્રસન્ન ચિત્તે ખૂબ સારી રીતે શૈક્ષણિક કાર્ય કરાવી શકે, અને તેની સારી અસર વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ પર થાય. આ બાબતને ધ્યાને લઇને આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈ સ્કૂલમાં શાળાના શિક્ષકો હંમેશા ખુશ રહે તેવા સતત પ્રયત્નો થતા હોય છે. દર માસે શાળાના પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ કાર્યકર્તા એક શિક્ષકને સ્ટાર એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે તેમજ વર્ષ દરમિયાન તમામ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કર્તા શિક્ષકને શિક્ષણ વિભાગના વડાની સહી સાથેનું પ્રમાણપત્ર , મોમેન્ટો સાથે ઉચ્ચ અધિકારીઓના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. શિક્ષકના પરિવારમાં હંમેશા ખુશનુંમાં ભર્યું વાતાવરણ રહે તે માટે શિક્ષકો સાથે પણ એક પરિવારની ભાવના સાથે સમયાંતરે ચર્ચા કરવામાં આવે છે. સારી બાબત ના દ્રષ્ટાંત સાથે મનોમંથન થાય છે. તાજેતરમાં શાળાના પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા શિક્ષિકા પારૂલબેન સોલંકીને શિક્ષક તરીકેની સરકારી નિમણૂક માટેની જરૂરી પરીક્ષા માટે સંપૂર્ણ મદદ કરતા તેમના પતિ શ્રી હાર્દિકભાઈ અને પરિવારજનોની શાળાના પટાંગણમાં સરાહના કરી સંસારમાં કેવી રીતે સુખી રહી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. એકબીજાના સુખે સુખી એવા શિક્ષિકા પારુલબેન અને તેમના પતિ શ્રી હાર્દિકભાઈનું શાળાના શિક્ષિકા શ્રીમતી કૃતિકાબેન પટેલ અને શિક્ષકશ્રી મનીષભાઈ મેઘનાથીએ સન્માન કર્યું હતું. શાળાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલે બંનેને સુખી લગ્ન જીવન માટે સમગ્ર શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી હતી





