ડાંગ જિલ્લા માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ‘મોતના મુખ જેવો ખાડો: શામગહાન-આહવા માર્ગ પર NHAIની ભયંકર બેદરકારી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાને શામગહાન થઈને અન્ય મહત્વના વિસ્તારો સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ (નેશનલ હાઈવે) હાલમાં માર્ગ અને જાળવણી તંત્રની ઘોર બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે. ધૂમખલ અને ચીંચપાડા ગામો વચ્ચે આ મુખ્ય માર્ગની બાજુમાં રોડ સાઈડનું ધોવાણ થઈ જતા એક નહીં પણ અનેક મહિનાઓથી એક મસમોટો, ઊંડો અને ખતરનાક ખાડો યથાવત્ સ્થિતિમાં છે, જેણે આ માર્ગ પરથી પસાર થતા પ્રત્યેક નાગરિકની સલામતી પર સવાલ ઉભા કર્યા છે.આ ખાડો એક-બે દિવસ કે સપ્તાહમાં નહીં, પરંતુ ઘણા મહિનાઓ પહેલાં વરસાદ કે અન્ય કારણોસર રોડ સાઈડનો ભાગ તૂટી જવાથી ખાડો પડ્યો છે. આ અંગે NHAI (નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) તરફથી માત્ર ઠાલા વચનો સિવાય બીજું કશું મળ્યું નથી.સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે NHAI અને સંબંધિત વિભાગના અધિકારીઓ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગે છે. જ્યાં સુધી આ ખામીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ નહીં જાય, ત્યાં સુધી તંત્રની કુંભકર્ણની નિંદ્રા તૂટશે નહીં.આ ખાડાનું સ્થાન અત્યંત જોખમી છે.તે રાષ્ટ્રીય ધોરીમાર્ગની બરાબર બાજુમાં આવેલો છે અને તેની ઊંડાઈ તેમજ પહોળાઈ એટલી છે કે કોઈપણ મોટું વાહનનું ટાયર તેમા આરામથી ફસાઈ શકે છે. ડાંગ એક ડુંગરાળ વિસ્તાર છે, જ્યાં ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઈટની પૂરતી સુવિધા નથી. રાત્રિના અંધારામાં દૂરથી આવતા વાહનચાલકોને આ ખાડાનો અંદાજ આવતો નથી. પરિણામે, ટાયરનું સંતુલન ગુમાવીને વાહન ખાડામાં પલટી જવાનો કે માર્ગ પરથી નીચે ખાબકવાનો ભય હંમેશા રહે છે. જો ચોમાસા દરમિયાન આ સમસ્યાનું સમાધાન ન થાય, તો પાણી ભરાવાના કારણે ખાડો વધુ ખતરનાક બની શકે છે અને માર્ગના અન્ય ભાગોનું પણ ધોવાણ થવાની શક્યતા છે. આ માર્ગ ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારા સહિત અન્ય મહત્વના આર્થિક અને સામાજિક કેન્દ્રોને જોડે છે. માર્ગની આ સ્થિતિના કારણે માલવાહક વાહનો અને બસોની ગતિ ધીમી પડે છે, જેનાથી સમય અને ઇંધણનો વ્યય થાય છે.આ માર્ગ કેન્દ્ર સરકારના નેટવર્ક હેઠળ આવતો હોવાથી તેની જાળવણી માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. આમ છતાં, આટલા લાંબા સમયથી એક ગંભીર ખામીનું સમારકામ ન થવું એ NHAIના સ્થાનિક એકમની નિષ્ક્રિયતા અને બેજવાબદારી દર્શાવે છે.સલામત માર્ગો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. શામગહાન-આહવા માર્ગ પરનો આ ખાડો માત્ર રોડની ખામી નથી, પણ તંત્રની કાર્યક્ષમતા અને નાગરિકોના જીવ પ્રત્યેની તેની જવાબદેહી પરનો એક મોટો ધબ્બો છે.ત્યારે આ અંગે યોગ્ય કામગીરી કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું રહ્યુ..
				



