GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari; હીટ વેવ (લૂ)ની ગંભીર પરિસ્થિતિમાં બાંધકામ સાઇટ પર શ્રમિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જાહેરનામુ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી શહેરમાં સતત વધી રહેલા તાપમાન અને હીટ વેવની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નવસારી મહાનગરપાલિકાના કમિશ્નર દેવ ચૌધરી અને આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા જાહેર હિતમાં આ માર્ગદર્શિકા/જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ સૂચનાઓનું પાલન તમામ બિલ્ડરો, ડેવલપર્સ, કોન્ટ્રાક્ટરો, આર્કિટેક્ટ્સ અને એન્જિનિયરોએ પોતાની બાંધકામ સાઈટ પર કડકપણે કરવાનું રહેશે.

૧. કામના સમયમાં ફેરફાર

બપોરના સમયે સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, જે હીટ સ્ટ્રોક માટે જવાબદાર બને છે.

બપોરે ૧:૦૦ થી ૪:૦૦ દરમિયાન બાંધકામ સાઇટ પર સીધા તાપમાં થતા તમામ કામો બંધ રાખવા અથવા કામના કલાકોમાં ફેરફાર કરવો, શ્રમિકોને વહેલી સવારે અથવા સાંજના ઠંડા ગાળામાં કામ કરવાની છૂટ આપવી.

૨. છાયડા અને આરામની વ્યવસ્થા

દરેક બાંધકામ સ્થળે શ્રમિકોને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે પૂરતા પ્રમાણમાં છાયાવાળી જગ્યા (Shelters) ઉભી કરવી, આરામના સમયે કામદારો ઠંડકવાળી જગ્યાએ બેસી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી.

૩. હાઇડ્રેશન અને પોષણ

સાઇટ પર તમામ કામદારો માટે શુદ્ધ અને ઠંડા પીવાના પાણીની સતત ઉપલબ્ધતા રાખવી.

ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની ઘટ) થી બચવા માટે શ્રમિકોને નિયમિત અંતરે છાસ, લીંબુ પાણી અથવા ORS પાવડર આપવાની વ્યવસ્થા કરવી.

૪. હીટ વેવ (લૂ) ના લક્ષણો અને તકેદારી

બાંધકામ સાઇટ પર કામ કરતા લોકોએ નીચેના લક્ષણો દેખાય તો તરત જ તબીબી સહાય લેવી:

અતિશય પરસેવો થવો અથવા ચામડી ગરમ અને સૂકી પડી જવી,ચક્કર આવવા, માથાનો દુખાવો કે ઉલટી-ઉબકા થવા. સ્નાયુઓમાં ખેંચાણ કે અતિશય નબળાઈ અનુભવવી,

બચાવ: હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા, માથા પર ટોપી કે રૂમાલ રાખવો અને ભૂખ્યા પેટે તાપમાં ન જવું.

૫. તબીબી સહાય અને હેલ્પલાઇન

સાઇટ પર પ્રાથમિક સારવારની કીટ (First Aid Kit) રાખવી જેમાં પૂરતા પ્રમાણમાં ORS અને જરૂરી દવાઓ હોય.

ઈમરજન્સી સેવાઓ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ અને નજીકના અર્બન હેલ્થ સેન્ટરના સંપર્ક નંબર સાઇટ પર પ્રદર્શિત કરવા.

ખાસ કરીને સાઇટ પર રહેતા બાળકો, વડીલો અને સગર્ભા મહિલાઓની આરોગ્ય બાબતે વિશેષ તકેદારી રાખવી.

૬. માર્ગદર્શિકાનું ઉલ્લંઘન અને કાર્યવાહી

નવસારી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સમયાંતરે બાંધકામ સાઇટ્સનું નિરીક્ષણ કરવામાં આવશે. જો કોઈ સાઇટ પર પીવાના પાણીની વ્યવસ્થા કે આરામ માટે છાયડાની સુવિધાનો અભાવ જણાશે અથવા કામના કલાકો અંગેની સૂચનાનું ઉલ્લંઘન થશે, તો સંબંધિત જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!