આણંદ – રોડ-રસ્તા, શાળા-આંગણવાડી સહિત વિવિધ મુદ્દે જનપ્રતિનિધિઓએ રજૂઆત કરી

આણંદ – રોડ-રસ્તા, શાળા-આંગણવાડી સહિત વિવિધ મુદ્દે જનપ્રતિનિધિઓએ રજૂઆત કરી
તાહિર મેમણ – આણંદ – 20/07/2025 – આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લાના પ્રભારી સચિવ મોહમ્મદ શાહીદના અધ્યક્ષપદે યોજાઈ હતી. જનપ્રતિનિધિઓએ જિલ્લામાં રોડ-રસ્તાની મરામત, શાળા અને આંગણવાડીના જર્જરિત ઓરડા, ગ્રામ પંચાયત મકાન અને બ્રિજના સમારકામ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.
પ્રભારી સચિવે સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે ચોમાસા દરમિયાન પીવાના પાણીમાં ક્લોરિનેશન કરવા પર ભાર મૂક્યો હતો. બજારમાં મળતા ખાદ્ય પદાર્થોની સઘન તપાસ કરવા ખોરાક અને ઔષધ નિયમન વિભાગને સૂચના આપી હતી.
પાણીજન્ય રોગો, કમળો અને ટાઈફોઈડ જેવા રોગો ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્યતંત્રને નિવારાત્મક પગલાં લેવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પણ રજૂ થયેલા પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા તાકીદ કરી હતી.
બેઠકમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી અને નિવાસી અધિક કલેક્ટર આર.એસ.દેસાઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.





