NANDODNARMADA

એકતાનગર માં સાંઈરામ દવેની સંગીત સંધ્યા સાથે સાહિત્ય રસની શાનદાર પ્રસ્તુતિ 

એકતાનગર માં સાંઈરામ દવેની સંગીત સંધ્યા સાથે સાહિત્ય રસની શાનદાર પ્રસ્તુતિ

 

આદિવાસી લોક નૃત્ય વિના શબ્દએ જોશભેર વાજીત્રો દ્વારા અદભૂત રજૂઆત

 

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકતાનગર ખાતે એકતા ઓડિટોરિયમમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી અતર્ગત “નર્મદાનો તટ ઉજવે સંસ્કૃતિના રંગ” થીમ આધારિત કાર્યક્રમ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે સાંજે શનિવારની સંધ્યાએ એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી અતર્ગત “નર્મદાનો તટ ઉજવે સંસ્કૃતિના રંગ” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી વાજીત્રોના તાલે મનમોહક નૃત્યની સાથે જાણીતા ગુજરાતી હાસ્યકલાકાર અને લોકસાહિત્યકાર શ્રી સાંઈરામ દવેએ આદિવાસી ઇતિહાસ, સરદાર સાહેબના જીવનના મહત્વના પ્રસંગો અને સ્થાનિક નર્મદા જિલ્લાના કૃષ્ણપ્રેમી ભજનીક સાહિત્ય અને સંગીતની સાથે હાસ્યરસની શાનદાર પ્રસ્તુતિ થકી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. અને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી પ્રસ્તુતિને વધાવી હતી.

બાહુલ આદિવાસી વસ્તી ધરાવતો નર્મદા જિલ્લો પુણ્ય સલિલા માં નર્મદાની પવિત્ર ભૂમિના કિનારે વસેલો છે. આ પવિત્ર ભૂમિ પર અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી સાંઇરામ દવેએ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને અંગ્રેજોના અન્યાય સામેની લડત-આંદોલન વિશે અને લોખંડી પુરૂષ શ્રીસરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનના પ્રસંગોની ઝાંખી, સાદગી, એકતા, અખંડિતતાના પ્રસંગોની વાતો કરી ઉપસ્થિત શ્રોતાઓને પ્રેરણા પુરી પાડી હતી. સાથોસાથ રાજપીપલાના કૃષ્ણપ્રેમી કવિ સત્તારસાહ બાપુના લખેલા રાધા, કૃષ્ણના ભજનો ગાઇ અમે આગળ વધ્યા છે. તેમ જણાવી તેમનો ભગવાન પ્રત્યેનો આદરભાવ પ્રગટ કર્યો હતો. અને ભગવાન બિરસામુંડાના સનાતન ધર્મને હ્રદય પૂર્વક યાદ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની યાદોને કલાકારોએ સંગીતના તાલે હારમોનિયમનાસુરે તબલાનાતાલે તેઓની પ્રસ્તુતિ થકી પુનઃ તાજા કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જીવન જીવવાનો મર્મ અને માનવધર્મને બખૂબી પ્રસ્તુત કર્યો હતો.

આદિવાસી મેવાસી મંડળ દ્વારા મેવાસી નૃત્ય તેમજ સાગબારાની આદિવાસી યુવા ટીમ દ્વારા આદિવાસી લોકનૃત્યની શાનદાર રીતે જોશભેર સ્ટેજ પર પ્રસ્તુત કરીને સ્ટેજને પણ હલાવી મૂક્યું હતું. આદિવાસી લોક નૃત્ય વિના શબ્દએ જોશભેર વાજીત્રો દ્વારા અદભૂત રજૂઆત કરી હતી. અને લોકોના માનસ પટલપર આદિવાસી સંસ્કૃતિને અંકિત કરી હતી.

સાંઈરામ દવે દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો કસુંબીનો રંગ, ગણેશ વંદના, શિવ વંદના, મહાકાળી માતાનો ગરબો, દેશ ભક્તિના ગીતો, મીલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા, રામ મેરે ઘર આના, રાધા કૃષ્ણના ભક્તિ ગીતો સાથે હાસ્ય અને સાહિત્યનું સુંદર રસપાન કરાવ્યું હતું. લોકોના મન અને દિલડાને ડોલાવે તેવી અદભુત રચના પ્રસ્તુત કરી હતી.

 

આ પ્રસંગે નાદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલને બિરદાવી આદિવાસીઓના ઇતિહાસ, લોકકલા, સંસ્કૃતિને ઉજાગર કરવાની ભાવનાને બિરદાવી હતી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા ડાંગ ખાતેથી ૧૫મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસે આદિવાસી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીની પણ સરાહના કરી હતી અને આદિવાસીઓના વિકાસમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર પૂરતું ધ્યાન આપીને આદિવાસીઓને મુખ્યધારામાં લાવવાના પ્રયાસો માટે કટિબધ્ધ છે અને આજે એકતાનગર ખાતે યોજાયેલા કાર્યક્રમની સુંદર પ્રસ્તુતિને પણ વખાણી હતી.

Back to top button
error: Content is protected !!