
દિપક ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ૫૦ પથારીની સગવડવાળી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું




દહેજના ઔદ્યોગિક વિસ્તારમાં અધ્યતન સુવિધાસભર હોસ્પિટલની શરૂઆત થતા ઘરઆંગણે સઘન આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે
ઝઘડિયા તા.૨૩ જાન્યુઆરી ‘૨૬
ભરૂચ જિલ્લાના મહત્વના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા દહેજ ખાતે ૫૦ પથારીની સગવડ ધરાવતી અધ્યતન સુવિધાવાળી હોસ્પિટલની શરુઆત થતા આ વિસ્તારના લોકોને ઘરઆંગણે સઘન તબીબી સેવાઓ ઉપલબ્ધ બનશે. મળતી વિગતો મુજબ દિપક ફાઉન્ડેશન દ્વારા દહેજ ખાતે નવનિર્મિત દિપક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મુનિરા શુક્લા,દિપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો.રૂચિ મહેતા તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.આ હોસ્પિટલની શરૂઆતથી દહેજના ઔદ્યોગિક વિસ્તારમાં આરોગ્ય સેવાઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ બનશે.આ અંગે જણાવાયા મુજબ દિપક ગ્રુપની સીએસઆર પહેલ અંતર્ગત અને દિપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત દિપક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ૫૦ પથારીની સગવડ સાથે અત્યાધુનિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ છે.ઉલ્લેખનીય છેકે દહેજનો મોટો ઔદ્યોગિક વિકાસ થતા આ વિસ્તારનું સમગ્ર ભરૂચ જિલ્લામાં મહત્વ વધ્યું છે,ત્યારે આ હોસ્પિટલની શરૂઆત થતા લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ મેળવવા ભરૂચ સુધી ૫૫ કિલોમીટર દુર જવું પડતું હતું તેમાં રાહત થશે,અને લોકોને જરૂરી સારવાર મેળવવામાં વધારાના સમયનો વ્યય થતો અટકી શકશે. હોસ્પિટલની સેવાઓમાં એડવાન્સ્ડ ટ્રોમા અને આઇસીયુ વિભાગ, દાઝેલાની સારવાર, જટિલ ગણાતા ઔદ્યોગિક અકસ્માતોની સારવાર માટે ખાસ વિભાગ કાર્યરત થશે. ઉપરાંત જનરલ સર્જરી, ઓર્થોપેડિક વિભાગ,સ્ત્રીરોગ વિભાગ,આંખની સારવાર,નાક કાન ગળાનો વિભાગ,ચામડીના રોગનો વિભાગ, લેબની સુવિધા, અધ્યતન ઇમેજિંગ અને ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇન સાથે સંકલિત ઇમરજન્સી મેડિકલ સેવાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે. ઉપરાંત કોર્પોરેટ ભરતી માટે પ્રી-એમ્પ્લોયમેન્ટ સ્ક્રિનિંગ અને ફિટનેસ સર્ટિફિકેશનની સુવિધા પણ પ્રાપ્ત થશે.આ હોસ્પિટલમાં દહેજ ઔદ્યોગિક વિસ્તારના કામદારો માટે મહત્વની આરોગ્ય સુવિધાઓ મળશે.આ હોસ્પિટલની શરુઆતથી આ વિસ્તારના ૪૪ ઉપરાંત ગામોના લોકોને અધ્યતન તબીબી સેવાઓ મળશે. આ ઉદઘાટન પ્રસંગે તાત્કાલિક આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી,તે મુજબ દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા કુલ રૂપિયા ૨૨ લાખનું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું. આ ભંડોળનો ઉપયોગ હોસ્પિટલની ડાયગ્નોસ્ટિક અને ટેકનોલોજીકલ ક્ષમતાઓના સતત વિસ્તરણ માટે કરવામાં આવશે એમ જણાવાયું હતું.
ઈરફાન ખત્રી
રાજપારડી




