GUJARAT

કાશ્મીરી યુવક યુવતીઓનું ડેલિગેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે 

કાશ્મીરી યુવક યુવતીઓનું ડેલિગેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

 

કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેતૃત્વમાં નેહરુ યુવા કેન્દ્રના યુવા આદાન-પ્રદાન અને ‘વતન કો જાનો’ અંતર્ગત યોજાયેલો પ્રવાસ કાર્યક્રમ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત દ્વારા તા.૬થી ૧૧ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન સુરતમાં કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે નેહરૂ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા આ કાશ્મીરી યુવા ડેલીગેસન માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી સહિત નર્મદા જિલ્લાનો એક દિવસીય પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો.

કાશ્મીરથી આ ટૂરમાં સામેલ થયેલા ૬ જિલ્લાના ૧૨૦ યુવક – યુવતીઓ અને ૧૨ ટીમ લિડર મળી કુલ ૧૩૨ યુવા ડેલીગેશન સુરત ખાતેથી નર્મદા જિલ્લાના સહકાર ભવન- એકતાનગર ખાતે આવી પહોંચતા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.

કાશ્મીરી યુવા ડેલીગેશનને સંબોધતા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે, સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધી સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસને વેગ આપી રહ્યા છે. તેમણે આપણને સૌને વિકસિત ભારત @2047નો સંકલ્પ આપ્યો છે. આ સંકલ્પને સિદ્ધ કરવા માટે યુવાનોની ભાગીદારી અત્યંત મહત્વની છે, જેના ભાગરૂપે યોજાઈ રહેલો આ યુવા આદાન પ્રદાનનો કાર્યક્રમ એક અસરકારક માધ્યમ બની રહેશે.

 

આ વેળાએ ટુરમાં સામેલ કાશ્મીરી યુવક – યુવતીઓએ ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રત્યક્ષ નિહાળેલા વિકાસની ભારોભાર પ્રશંસા કરી શાંતિ અને સુરક્ષાની થયેલી અનુભૂતિને ભારોભાર વખાણી હતી.

 

સંગોષ્ઠી બાદ આ ડેલીગેશન જંગલ સફારી પાર્ક અને સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે પહોચ્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળી કાશ્મીરી યુવક યુવતીઓનું ડેલિગેશન અભિભૂત થયું હતું અને સ્ટેચ્યુ ઑફ યુનિટીના નિર્માણના ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, માય ભારત-સુરત તેમજ નેહરુ યુવા કેન્દ્ર-સુરત (યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય) દ્વારા આયોજિત કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન બદ્રીનારાયણ મંદિર, અડાજણ, સુરત ખાતે તારીખ ૦૬ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન આયોજન કરાયું છે.

 

આ કાર્યક્રમમાં કાશ્મીરના જુદા જુદા જીલ્લા જેવા કે, અનંતનાગ, કુંપવાડા, બારામુલ્લા, બડગામ, શ્રીનગર અને પુલવામાંના યુવક યુવતીઓ સામેલ થયા છે. કાશ્મીરી ખીણમાં યુવાનો આંતકવાદ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેને કારણે યુવાનો દેશની એકતા અને દેશપ્રેમની ભાવનાથી દુર થઈ રહ્યા છે. તેમજ કટ્ટરપંથી પ્રવૃતિઓમાં જોડાઈ રહ્યા છે. આવી પ્રવૃત્તિઓથી દુર થઈ તેમજ તેમનો સર્વાંગી વિકાસ થાય અને તેમને વિકાસની વિવિધ તકો મળે તે હેતુથી ભારત સરકારના યુવા મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!