
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના હેઠળ થયેલી તાજેતરની ભરતી પ્રક્રિયા વિવાદમાં સપડાયો છે.આ ભરતીમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના અને પારદર્શિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે.આ બાબતે મામલતદાર, વઘઇને લેખિત રજૂઆત કરીને આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગણી કરવામાં આવી છે.ડાંગ જિલ્લાનાં વઘઇ મામલતદાર કચેરી દ્વારા ગત ૨૦ મે, ૨૦૨૫નાં રોજ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક, રસોઈયા અને મદદનીશની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી અરજીઓ મંગાવવામાં આવી હતી.આ જાહેરાતનાં પગલે સંખ્યાબંધ લાયક ઉમેદવારોએ અરજી ફોર્મ ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી.આ અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા.ત્યારબાદ ૧૬ જુલાઈ, ૨૦૨૫નાં રોજ પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો (ઓર્ડર) આપવામાં આવ્યા હતા.જોકે, આ ઓર્ડરમાં દર્શાવેલી તારીખ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. આક્ષેપ છે કે નિમણૂક પત્રો ૧૬ જુલાઈ, ૨૦૨૫ ના રોજ આપવામાં આવ્યા હોવા છતાં, ઓર્ડરમાં તારીખ ૧૧ જુલાઈ, ૨૦૨૫ દર્શાવવામાં આવી હતી.આ પાંચ દિવસનો તફાવત ભરતી પ્રક્રિયામાં “અંદરોઅંદરની કામગીરી” થઈ હોવાના સંકેત આપે છે અને પારદર્શિતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.આ મામલે સૌથી મોટો અને ગંભીર આક્ષેપ એ છે કે આ તમામ નિમણૂકોમાં ભેદભાવ રાખવામાં આવ્યો છે અને પસંદગી પ્રક્રિયામાં અનિયમિતતા આચરવામાં આવી છે.અરજદારોનો દાવો છે કે જે સંચાલકો અગાઉ મધ્યાહન ભોજન યોજનામાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે, તેમના જ પરિવારજનોને નવી નિમણૂકોમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.આના કારણે ઘણા લાયક અને જરૂરિયાતમંદ ઉમેદવારોને અન્યાય થયો હોવાનું મનાય છે.જે ગામોમાં આવી શંકાસ્પદ નિમણૂકો થઈ હોવાનો આક્ષેપ છે.તેમાં ડોકપાતળ, દગડપાડા, દેવીપાડા, ચિકાર (ઝાવડા), બોરીગાવઠા, કોયલીપાડા, સરવર અને કલમખેત નો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને નિવૃત્ત થયેલા સંચાલકોના જ પરિવારના સભ્યોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હોવાનો ચોક્કસ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર બાબતને “ખોટી રીતે” થયેલી ગણાવીને, ખરેખર લાયક અને જરૂરિયાતમંદ અરજદારોને ન્યાય મળે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે. આ ગેરરીતિના કારણે અનેક યુવાનો કે જેઓ આર્થિક રીતે નબળા છે અને રોજગારીની તકો શોધી રહ્યા છે, તેમને ભારે નિરાશા સાંપડી છે.આ આક્ષેપોની ગંભીરતા જોતા, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મામલે ત્વરિત અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. જો આ આક્ષેપો સાચા ઠરશે તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં ભરવામાં આવે અને ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે મજબૂત પદ્ધતિઓ અપનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે..




