BANASKANTHADEODARGUJARAT

દિયોદર ગજાનન યુવક મંડળ દ્વારા ગેળા સુધી ભવ્ય પદયાત્રા, હનુમાન જયંતિએ ભક્તિનો ઉમંગ છલકાયો

દિયોદર ગજાનન યુવક મંડળ દ્વારા ગેળા સુધી ભવ્ય પદયાત્રા, હનુમાન જયંતિએ ભક્તિનો ઉમંગ છલકાયો

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

દિયોદર ગજાનન યુવક મંડળ દ્વારા ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિના પાવન અવસરે ભવ્ય અને ભક્તિમય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 1/4/2026ના રોજ રાત્રે 9:30 કલાકે દિયોદર ખાતે આવેલા પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરથી મોટી સંખ્યામાં યુવક મંડળના સભ્યો અને ભક્તો દ્વારા ગેળા સ્થિત શ્રી ફળ હનુમાનજી મંદિર સુધી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પદયાત્રા દરમિયાન ભક્તોએ ભજન-કીર્તન અને જયઘોષ સાથે આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું હતું.યાત્રા દેલવાડા, ચગવાડા, ડુચકવાડા, વાતમ, વાસણા (વા) તેમજ લાખણી જેવા ગામોમાંથી પસાર થઈ ગેળા પહોંચી હતી. માર્ગમાં પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી,જેના કારણે સમગ્ર યાત્રા વધુ ઉલ્લાસમય બની હતી.ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિના પાવન પ્રભાતે યાત્રાળુઓ ગેળા ગામે આવેલ પ્રાચીન શ્રી ફળ હનુમાનજી દાદાના મંદિરે પહોંચ્યા હતા. ત્યાં ભક્તોએ શ્રદ્ધાભાવપૂર્વક દાદાના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ મંદિરે ધજા ચડાવી અને ભક્તિભાવથી દર્શન કરી સૌએ આત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો હતો.આ પ્રસંગે યુવક મંડળના સભ્યો દ્વારા જણાવાયું હતું કે આવી ધાર્મિક પદયાત્રાઓ સમાજમાં એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિને મજબૂત બનાવે છે. યુવાનોમાં ધાર્મિક ચેતના જાગૃત કરવા અને પરંપરાઓને જીવંત રાખવા માટે આ પ્રકારના આયોજન ખૂબ જ જરૂરી છે.ગેળા ગામે આવેલ શ્રી ફળ હનુમાનજી દાદાનું પ્રાચીન મંદિર સમગ્ર વિસ્તારમાં અતિ પ્રસિદ્ધ આસ્થા કેન્દ્ર તરીકે ઓળખાય છે. અહીં દર શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે અને પોતાની માન્યતાઓ પૂર્ણ કરવા પ્રાર્થના કરે છે.દિયોદર ગજાનન યુવક મંડળ દ્વારા આયોજિત આ પદયાત્રા ભક્તો માટે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક આનંદનો અનોખો અવસર બની રહી છે, જેને લઇને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો.

Back to top button
error: Content is protected !!