નર્મદા : ભગવાન બિરસમુંડાની જન્મ જયંતિની ઉજવણી સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેડીયાપાડા ખાતે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યુ

નર્મદા : ભગવાન બિરસમુંડાની જન્મ જયંતિની ઉજવણી સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેડીયાપાડા ખાતે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યુ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં પ્રવાસે આવેલ ગુજરાતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દેડિયાપાડા તાલુકાના સોલિયા ગામના આવી પહોંચતા ગામના લોકોએ ઢોલ-નગારા નાદ સાથે કંકુ તિલક કરી ફૂલહાર સાથે તેમજ સોલિયા શાળાના વિધાર્થીઓએ ફૂલોની વર્ષા કરી સ્વાગત કર્યું હતું.
આ વેળાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા. ૧૫ મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડા જન્મજયંતિને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં પ્રથમ વખત ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે યોજાવાનો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિવાસી સમાજની કુળદેવી દેવ મોગરા માતાના મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ દેડિયાપાડા ખાતે આયોજિત બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિના મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશભરના લોકોને સંબોધિત કરશે.
સોલિયા, કંકાલા, જાનકી આશ્રમ સહિતના ગામોમાં લોકોને આમંત્રણ આપી પરિવાર સાથે વડાપ્રધાન કાર્યક્રમમાં સહભાગી થવા ખાસ અનુરોધ કર્યો હતો. સાથે શાળાના વિધાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. વિવિધ ગામોની મુલાકાત દરમિયાન કંકાલા ગામે આદિવાસી આદિવાસી પારંપારિક ભોજનમાં હુઅનાઅ માડાની લિજ્જત માણી હતી.





