GUJARATKUTCHMUNDRA

દેશલપર (ગુંતલી) ગામે ગુંતલી માતાજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો: હજારો ભક્તોએ લીધો મહાપ્રસાદ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

દેશલપર (ગુંતલી) ગામે ગુંતલી માતાજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો: હજારો ભક્તોએ લીધો મહાપ્રસાદ

 

દેશલપર (ગુંતલી),તા. 31: કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ઐતિહાસિક દેશલપર (ગુંતલી) ગામે આસ્થા અને ભક્તિના સંગમ સમાન ગુંતલી માતાજીનો વાર્ષિક પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આશરે 500 વર્ષ પુરાણા અને સ્વયંભૂ પ્રગટ થયેલા ગુંતલી માતાજીના આ પાટોત્સવમાં દેશલપર સહિત આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

વડીલોની પરંપરાને જાળવી રાખીને આ દિવસે ગ્રામજનો દ્વારા ‘પાંખી’ (કામકાજથી વિરામ) પાળી માતાજીની આરાધના કરવામાં આવી હતી. મહોત્સવ દરમિયાન ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ જીવદયાના કાર્ય રૂપે અબોલા જીવો માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

મહાપ્રસાદના દાતા શ્રી પ્રવીણભાઈ વાલજીભાઈ પટેલ (વાડીયા), હાલે કોલ્હાપુર અને મહાઆરતીના દાતા શ્રી જોષી અશોકભાઈ શંકરલાલ (સારંગ) રહ્યા હતા.

આ પાવન પ્રસરે અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખાસ હાજરી આપી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ 16 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા સ્વયંસેવકો રહ્યા હતા. મંદિર પ્રટાંગણની સફાઈ અને જમણવારના વાસણો સાફ કરવાની સેવા બદલ શ્રી જયંતિભાઈ કોલી, શ્રી શિવજીભાઈ કોલી, શ્રી મણીલાલ વાઘેલા (દેશલપર) અને શ્રી વેલજીભાઈ ભદ્રુ-ગાભાભાઈ (મથલ)ની કામગીરીને સૌએ બિરદાવી હતી.

સમગ્ર પાટોત્સવ વિધિ પૂજારી જગદીશગીરી ગોકુલગીરી દ્વારા સંપન્ન કરાવવામાં આવી હતી. હજારો ભક્તોએ ભક્તિમય વાતાવરણમાં મહાપ્રસાદ ગ્રહણ કરી આનંદ વ્યક્ત કર્યો હતો.

 

(અહેવાલ : જગદીશ દવે)

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!