દેશી ગાય આધારિત ખેતી એટલે ઝીરો બજેટ ખેતી ઝીરો બજેટ એટલે શું ? શા માટે ? અને શું છે મુખ્ય ધ્યેય ? જાણો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
આપણને સૌને ખબર છે, પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો તેમજ બહારની ખેત સામગ્રીનો ઉપયોગ કર્યા વગર ખેત ઉપાદન કરવાના સિદ્ધાંતને આધારિત છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ પ્રાકૃતિક ખેતી વિશે જાણવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા તત્પર છે, ત્યારે ગુજરાત પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડમાં ‘મિશનરી’ કાર્ય કરી રહ્યું છે.
અનેક લેખ, વૃતાંત કે પ્રગતિશીલ ખેડૂતની સાફલ્ય ગાથામાં આપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ માટે ઝીરો બજેટ ખેતી એમ સાંભળ્યું કે વાંચ્યું હશે. ત્યારે આ લેખમાં આપણે ઝીરો બજેટ ખેતી એટલે શું ? આ ખેતી શા માટે અને ઝીરો બજેટ ખેતીના મુખ્ય ધ્યેયો વિશે જાણીશું.
*ઝીરો બજેટ ખેતી એટલે શું ?*
●ઝીરો બજેટ ખેતીમાં જરૂરી સામગ્રી/સંસાધન બહારથી ન લેવા
●સંસાધન તૈયાર કરવા જરૂરી સામગ્રી પણ બહારથી ન લેવી
●આ પ્રકારના સંસાધનથી જીવ, જમીન અને પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી
●એક દેશી ગાય થકી ૩૦ એકર (૭૫ વીઘા)માં ખેતી થઈ શકે
*ઝીરો બજેટ ખેતી શા માટે ?*
હરિતક્રાંતિ અને યાંત્રિકીકરણના કારણે લાંબા સમયથી જમીન દૂષિત થઈ ગઈ છે. પાકો, બિયારણો, પાણી, પર્યાવરણ દૂષિત થયા છે અને સાથે જ ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું છે. જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઉપર અસર થતા ખેડૂતોની મુશ્કેલી વધી, ઉત્પાદન ખર્ચ વધ્યો અને પાકમાં રોગ જીવાતનું પ્રમાણ વધતા પરિણામે પર્યાવરણ, માનવ, પ્રાણી અને જમીનના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થઈ છે. જેથી જમીનને ફરી ફળદ્રુપ બનાવવા, ખેતી ઓછી ખર્ચાળ કરવા, તંદુરસ્ત પાક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને સરળ અને સારી ખેતી પદ્ધતિ અપનાવવા માટે ઝીરો બજેટ ખેતી જ એક વિકલ્પ છે.
*ઝીરો બજેટ ખેતીના મુખ્ય ધ્યેયો*
• ઝીરો બજેટ ખેતીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બહારથી ન લાવતા ખેતરમાંથી તૈયાર કરી અને તેનો ઉપયોગ કરવો, જેથી ખર્ચમાં ઘટાડો થાય.
• ફક્ત દેશી ગાયના છાણ-મૂત્ર દ્વારા બનાવેલ જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા વધારવી.
• ઝીરો બજેટ ખેતીના કારણે ગામનો પૈસો તો ગામમાં જ રહે છે, સાથે શહેરનો પૈસો પણ ગામમાં આવવાથી ગામડાઓ સદ્ધર બને છે અને ગ્રામ સ્વરાજનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે.



