આણંદ દબાણો દૂર કરવા જતા પથ્થરમારો 15 ની અટકાયત

આણંદ દબાણો દૂર કરવા જતા પથ્થરમારો 15 ની અટકાયત
તાહિર મેમણ – આણંદ – 14/12/2024 – આણંદ બોરસદ ચોકડી પાસે સોજિત્રા રોડ પર કેટલાક પરિવારોએ ગેરકાયદે કાચા-પાકા ઝૂંપડા બાંધીને દબાણ કર્યું હતું. આ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અનેક વાર પ્રયત્નો કરાયા હતા આણંદની ની સરકારી પડતર જમીન પર ચાર દાયકાથી દબાણો હતા. . પરંતુ રાજકીય દબાણને પગલે આ દબાણ હટાવવાની કામગીરી દરેક વખતે પડતી મુકાતી હતી. જોકે, આજે વહેલીસવારથી દબાણ હટાવ કામગીરી થઈ ગઈ હતી. પરંતુ બપોર બાદ મંદિરનું દબાણ દૂર કરવા જતાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. જેને પગલે પોલીસે પથ્થરમારો કરનાર સ્થાનિકો પર પોલીસે બળપ્રયોગ કર્યું હતું. જ્યારે 15 જેટલા લોકોની અટકાયત કરી હતી.
મંદિર તોડવા જતાં સ્થાનિકોએ પથ્થરમારો કર્યો દબાણકર્તાઓ દ્વારા આ જગ્યામાં ચાર જેટલાં નાના-મોટા મંદિર પણ બનાવી દેવામાં આવ્યાં હતાં. તંત્ર દ્વારા કાચા-પાકા મકાનો તેમજ ઝુંપડા તોડ્યાં બાદ આ મંદિરો તોડવાની કામગીરી આરંભી હતી. જે દરમિયાન સ્થાનિકો એકાએક ઉશ્કેરાઈ ગયાં હતાં. રોષે ભરાયેલા સ્થાનિકોએ પથ્થરમારો કરતાં મામલો બિચક્યો હતો. જોકે, સ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસે હળવો બળપ્રયોગ કરી, આ છમકલું કરનાર 15 જેટલા અસામાજિક તત્વોની અટકાયત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે આ પથ્થરમારાની ઘટનામાં કોઈને ઈજા થવા પામી નથી.
દબાણ દૂર કરવા 7 જેસીબી કામે લગાડાયા હતા આખરે હાઇકોર્ટે સરકારી જમીનમાંથી તમામ દબાણો દૂર કરવા માટે આદેશ કર્યો હતા. તેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રવીણકુમાર ચૌધરીએ થોડા દિવસો અગાઉ સ્થળ મુલાકાત કર્યા બાદ આ દરેક કાચા-પાકા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. જે બાદ ગઈકાલે (13મી ડિસેમ્બરે) આ ગેરકાયદે દબાણોમાં લાઈટ અને પાણીના કનેક્શન કાપવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજરોજ તંત્રની ટીમ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને સાત જે.સી.બી મશીનની વડે બોરસદ ચોકડી સ્થિત સરકારી પડતર જમીનમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે.




