GUJARATJETPURRAJKOT

Rajkot: મતદાન જરૂર કરો અને કરાવો : રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંગે જાગૃતિની કવાયત

તા.૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય અને ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન વધારવા પ્રયત્ન

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના નેતૃત્વમાં મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં ‘મતદાન જરૂર કરો અને કરાવો’ની નેમ સાથે વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી અંતરિયાળ વિસ્તારથી લઈને મહાનગર સુધી તમામ મતદારોને મતદાન માટે સતત પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે.

૬૭ – વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થભાઈ ગઢવીના દિશાનિર્દેશ અનુસાર જાતિ આધારિત ૧૦%થી વધારે તફાવત ધરાવતા કુચિયાદડ ગામ ખાતે ભાગ નંબર ૨૧૧ તથા ૫૦%થી ઓછું મતદાન ધરાવતા ઘંટેશ્વર ખાતે ભાગ નંબર ૨૯૮ તથા ૨૯૯માં મતદાન વધારવા માટે ગામલોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. લોકશાહીને સશકત કરવા માટે મતાધિકારનો સમજપૂર્વક ઉપયોગ કરવાની જાણકારી આપી હતી. તેમજ મતદાનના દિવસે મતદાનને પ્રાથમિકતા આપવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.

૬૮ – રાજકોટ પૂર્વ વિધાનસભા મતદાર વિભાગમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણીના માર્ગદર્શન હેઠળ મામલતદારની સૂચના મુજબ વોર્ડ નંબર ૦૫માં મારુતિનગર વિસ્તાર અને વોર્ડ નંબર ૧૮માં કોઠારીયા રણુજા મંદિર ખાતે વોર્ડ ઓફિસરશ્રી દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ચૂંટણી પ્રક્રિયા, મતદાન મથક, ચૂંટણીલક્ષી સેવાઓ આપતી એપ્લીકેશન્સ સહિતની બાબતો વિશે સમજૂતી આપવામાં આવી હતી. તેમજ ચૂંટણીમાં મતદાન કરવા તથા કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે ‘અમે અવશ્ય મતદાન કરીશું’ના શપથ લેવામાં આવ્યા હતા.

૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી વિમલભાઈ ચક્રવર્તીના સૂચનો પ્રમાણે પુરુષ અને સ્ત્રી જાતિના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલો હોય તેવા મતદાન મથક વિસ્તારમાં મતદાન જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આથી, રાજકોટ તાલુકાના

લાપાસરી ગામ ખાતે ભાગ નંબર ૧૯૨ અને ખોખડદડ ગામ ખાતે ભાગ નંબર ૧૯૩ તથા ૧૯૪ તેમજ લોધીકા તાલુકાના પાળ ગામ ખાતે મામલતદાર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનોને સહપરિવાર મત આપવા જવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જાતિ આધારિત તફાવત દૂર કરવા મહિલાઓને મતદાનની પ્રક્રિયા સમજાવીને સૌને અચૂક મતદાનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

૭૫ – ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી જયેશભાઈ લીખિયાના વડપણ હેઠળ ઘોરાજીમાં આવેલી સરસ્વતી કોલેજ ખાતે આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં યુવા મતદારોને મતદાનનું મહત્વ અને ચૂંટણી પંચની વિવિધ એપ્લીકેશન્સ અંગે માહીતગાર કરવામાં આવ્યાં હતા. વિદ્યાર્થીઓએ ‘મેં ભારત હું, ભારત હૈ મુજ મેં..’ વિડીઓ સોંગ નિહાળ્યું હતું. અને ચૂંટણીમાં અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે કોલેજીયનોને ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ સૂત્ર દર્શાવતી કેપ આપવામાં આવી હતી. ચૂંટણીલક્ષી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પરિવારને સાથે લઈને મતદાન કરવા જવા તથા આજુબાજુમાં રહેતા લોકોને મતદાન માટે પ્રેરિત કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ તકે મામલતદાર કચેરી અને કોલેજના સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉપરાંત, રાજકોટ જિલ્લાના રાણપુર ગામ, ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે તાલુકા કન્યા શાળા સહીત જિલ્લાભરની સરકારી અને ખાનગી શાળાઓ ખાતે ચુનાવી પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાન સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, ૧૦ – રાજકોટ સંસદીય વિસ્તારમાં ઠેર-ઠેર વધુમાં વધુ લોકો ચૂંટણીમાં સહભાગી બને, તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!