ખંભાળિયા તાલુકામાં આવેલા નાયરા સંચાલિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન” તેમજ “ખેલે ભી, ખીલે ભી” થીમને કેન્દ્રમાં રાખીને ત્રિ-દિવસીય “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ત્રિ દિવસીય “જિલ્લા ક્રિકેટ કપ ૨૦૨૫”નો શુભારંભ જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના અને મુખ્ય જિલ્લા ન્યાયધીશ શ્રી એસ.વી.વ્યાસ હસ્તે કરવામાં આવ્યો હતો. કલેકટરશ્રી દ્વારા ટોસ કરીને રમતની શરૂઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, “નેશનલ સ્પોર્ટ્સ ડે” અને ખેલ મહાકુંભનું આયોજન કરવા પાછળ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓમાં રમત ગમત પ્રત્યે રુચિ કેળવવાનો તથા વડાપ્રધાનશ્રીના “ફિટ ઈન્ડિયા” અભિયાનને જન જન સુધી પહોંચાડવાનો છે. તેમજ રમત ગમત માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની દિશામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે. “નેશનલ સ્પોર્ટ્સ ડે”ના આયોજનો થકી વધુમાં વધુ લોકો રમત ગમતમાં જોડાશે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક આયોજન માટેની ગુજરાતની દાવેદારી વધુ મજબૂત બને તે છે.
આ ટ્રુનામેન્ટમાં સી.આઈ.એસ.એફ., કોસ્ટ ગાર્ડ, નેવી, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત,જિલ્લાના મીડિયા કર્મીઓ, રાજકીય પક્ષ, પોલીસ ઉપરાંત નાયરા એનર્જી, એસ્સાર પાવર એન્ડ પોર્ટસ, આર.એસ.પી.એલ., ટાટા કેમિકલ, જિલ્લા કોર્ટ સહિત કુલ ૧૪ વિવિધ ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટમાં ટેનિસ બોલ સાથે ૧૦ ઓવરની મેચનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, અગ્રણી શ્રી મયુરભાઈ ગઢવી, રસિકભાઈ નકુમ, પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા સહિત વિવિધ ટીમોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.






