ખંભાળિયા કલેકટર કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય તપાસણી કેમ્પ યોજાયો
કેમ્પમાં વજન, ઊંચાઈ, BMI, ડાયાબિટીસ, હાયપરટેન્શન, Xray, તેમજ મહિલાઓની બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સરની તપાસ કરાઈ
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
નાગરિકોની સેવા માટે સતત ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓનું પણ આરોગ્ય સ્વસ્થ રહે તેવા ઉમદા આશયથી જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સી.બી.ચોબીસા દિશા નિર્દેશનમાં કલેકટર કચેરી ખંભાળિયા ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓની સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી.
સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પમાં કુલ ૧૨૮ જેટલા કર્મચારીઓ, અધિકારીઓની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમાં વજન, ઊંચાઈ, BMI, ડાયાબિટીસ, હાયપરટેન્શન, Xray, તેમજ મહિલાઓની બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં જિલ્લા પંચાયત ખાતેની મેડિકલ ટીમના કુલ ૧૬ કર્મચારીઓ તેમજ ગાયનેકોલોજીસ્ટ દ્વારા હાજર રહી આ કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં ડાયાબિટીસના ૦૫ અને હાયપરટેન્શનના ૧૬ નવા કેસો જોવા મળેલ હતા અને જરૂરી જીવન શૈલી અંગેનું કાઉંસેલીંગ કરી જરૂરિયાત મુજબના કર્મચારીઓને દવાઓ આપવામાં આવી હતી.