જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
જન કલ્યાણકારી કાર્યોને સત્વરે પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અધિકારીઓને આપ્યા માર્ગદર્શક સૂચનો

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીશ્રીઓ પાસેથી જવાબો મેળવ્યા હતા. ઉપરાંત બેઠકમાં સિંચાઇ, પાણી પુરવઠો, વીજ વિભાગ, માર્ગ અને મકાન, આરોગ્ય, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી પડતર પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા તેમજ યોગ્ય પ્રત્યુતર પાઠવવા સૂચના આપી હતી. ઉપરાંત નાગરિકની સમસ્યાઓને અગ્રતા આપી તાકીદે નિરાકરણ લાવવા અધિકારીઓ તથા કર્મચારીઓને સૂચનો આપ્યા હતા. ઉપરાંત જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાપન, રોડ સેફ્ટી, જમીન માપણી જેવા વિવિધ મુદ્દે વિગતવાર સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૂચનો આપ્યા હતા. તેમજ પ્રિ-મોન્સૂન કામગીરીને સઘન બનાવવા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાકીદ કરી હતી.
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એચ.પી.જોશી, પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા, નાયબ કલેકટર શ્રી રિદ્ધિ રાજ્યગુરુ, નાયબ કલેકટર શ્રી મનોજ દેસાઈ, જન પ્રતિનિધિ શ્રી પી.એસ.જાડેજા સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




