ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ખાતે નવનિર્મિત વન કવચનું લોકાર્પણ કરાયું

રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ખંભાળિયા ખાતે રૂ.૧૩૮.૭૨ લાખના ખર્ચે નવનિર્મિત નાયબ વન સંરક્ષણની કચેરી,સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા તથા રૂ.૩૫ લાખના ખર્ચે નવનિર્મિત રેન્જ ફોરેસ્ટ ઓફિસ, સામાજિક વનીકરણ વિભાગ, ખંભાળિયાની કચેરીનું લોકાર્પણ કર્યું હતું.
ઉપરાંત, ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ખાતે રૂ.૨૫ લાખના ખર્ચે ૧ હેક્ટરમાં નવનિર્મિત વન કવચનું પણ લોકાર્પણ કર્યું હતું. જેમાં લીમડો, વડ, પીપળ, આમલી, આમળા, કરંજ, ચરલ, વાંસ, આસોપાલવ, ગરમાળો, સીસુ, સરગવો, બિલ્લી, સેતુર, કરમદા, કેતકી, પારિજાત, મહેંદી સહિતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત, મંત્રીશ્રી તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા, સામાજિક વનીકરણ વર્તુળ રાજકોટના વન સંરક્ષક શ્રી આર. સેન્થીલકુમારન, મરીન નેશનલ પાર્ક વર્તુળ, જામનગરના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ. મનીશ્વર રાજા, નાયબ વન સંરક્ષક શ્રી અરુણકુમાર, પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા સહિત સ્થાનિક અગ્રણીઓ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.










