ભાણવડ તાલુકાના રાણપર ખાતે રૂ.૩૨ લાખના ખર્ચે નિર્માણ થનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત કરાયું

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના વરદહસ્તે ધનતેરસના પાવન પર્વે ભાણવડ તાલુકાના પાછતર ગામે અંદાજિત રૂ.૨૯ લાખ ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તથા રાણપર ગામે અંદાજિત રૂ.૩૨ લાખના ખર્ચે નિર્માણ પામનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, દિવાળીના પાવન અવસર પર ધનતેરસના શુભ દિવસે જન સુખાકારીનું મંગલ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અધ્યતન સુવિધાથી સજજ પેટા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થતાં પાછતર તથા આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારો માટે આરોગ્યની સેવાઓ વધુ સુદ્રઢ બની રહેશે.આ વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્યલક્ષી સેવાઓનો લાભ ઘર આંગણે જ પ્રાપ્ત થશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે કલાઈમેટ ચેન્જ પરિણામે આરોગ્ય પર વિપરીત અસરો પડી રહી છે. ત્યારે આજના સમયમાં જે વ્યક્તિ આરોગ્યની દ્રષ્ટિએ નિરોગી હોય તે જ ખરા અર્થમાં સુખી કહેવાય. છેવાડાના વિસ્તારો સુધી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સુદ્રઢ બનાવવા નેમ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. વડાપ્રધાનશ્રીના કંડારેલા પથ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જનજનની આરોગ્ય સુખાકારી માટે અનેકવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે,દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી પી.એમ.જે.વાય જેવી આરોગ્યલક્ષી યોજનાઓ અમલી બનાવીને નાગરિકોને આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે ભૂતકાળમાં લોકો સામાન્ય બીમારીથી ભયભીત થઈ જતાં જ્યારે હવે મોટી મોટી બીમારીઓ પણ સારવાર ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહી છે. આરોગ્યલક્ષી સેવાઓ વ્યાપ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ ધપી રહી છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી આગામી પેઢીની ચિંતા કરી છે. એટલે જ તેમને હાલમાં સમગ્ર દેશમાં એક પેડ માઁ કે નામ અભિયાન શરૂઆત કરાવ્યું છે જેને રાજ્યમાં વ્યાપક જન પ્રતિસાદ મળ્યો છે. મારો સૌ નાગરિકોને અનુરોધ છે કે તમે પોતાના સ્વજનો યાદમાં માત્ર એક વૃક્ષ વાવેતર કરો જેથી આપણી આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ અને સ્વચ્છ હવા આપી શકીએ. ઉપરાંત વિસ્તારના મહત્તમ નાગરિકો સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓ બહોળા પ્રમાણમાં લાભ મેળવો.
કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મિતેષ ભંડેરી તથા આભારવિધિ મેડિકલ ઓફિસર શ્રી મોરી દ્વારા કરવામાં આવી હતી.
પાછતર પેટા આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ તથા રાણપર પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહુર્ત પ્રસંગે મામલતદાર શ્રી અશ્વિન ચાવડા, તાલુકા વિકાસ અધિકારી શ્રી એન.એલ.બૈડીયાવદરા,અગ્રણી શ્રી ગોવિંદ કનારા, રામશી મારું, અલ્પેશ પાથર, અજય કારાવદરા સહિત આરોગ્ય વિભાગ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







