દેશભકિતના રંગે રંગાયું ખંભાળિયા શહેર : ખંભાળિયા ખાતે તિરંગા યાત્રા યોજાઇ

અધિકારીઓ,પદાધિકારીઓ, અગ્રણીઓ, સુરક્ષા કર્મી, છાત્રો અને શહેરીજનો યાત્રામાં જોડાયા
***
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે તા. ૦૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ ખંભાળિયા ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં પોલીસ, વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, કર્મચારીઓ, છાત્રો, શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ યાત્રાનો પ્રાંત અધિકારીની કચેરી ખાતેથી જિલ્લા કલેકટરશ્રી જી. ટી. પંડ્યા, નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન મોટાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી, અગ્રણી શ્રી પી.એસ. જાડેજા સહિતનાએ પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા જી.વી.જી. સ્કુલ રોડ – નગરનાકા, બેઠક રોડ થી પ્રાંત અધિકારીની કચેરી, ખંભાળિયા સુધી યોજાઇ હતી. હાથમાં તિરંગા સાથે વંદે માતરમ, ભારત માતા કી જયના જય ઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. તિરંગા યાત્રા પર ઠેર ઠેર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. હર ઘર તિરંગા લગાવવા અને, રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમની ભાવના દર્શાવવા અંગેનો સંદેશ આપી લોકોજાગૃતીનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો. યાત્રાના પ્રારંભે સરકારશ્રીની વિવિધ યોજનાની માહિતી આપતો સૂચના રથ, મહાનુભાવો, પોલીસ, છાત્રો, શહેરીજનો ક્રમ અનુસાર સામેલ થયા હતા.
આ તકે સર્વેએ રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણ ભાવ દર્શાવતી પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સિગ્નેચર કેમ્પેઈન યોજાયું હતું. તિરંગાની રક્ષા કરવી એ આપણા સૌની જવાબદારી છે.ત્યારે આ તિરંગા યાત્રામાં જોડાઈ સર્વેએ દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ યાત્રામાં પ્રાંત અધિકારીશ્રી કે. કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ. એમ. પરમાર, મામલતદારશ્રી વિક્રમ વરુ, તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.વી. સેરઠીયા સંગઠન અગ્રણીશ્રીઓ રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજિયા, કાનાભાઈ કરમુર, ઇન્દ્રજિતસિંહ પરમાર, બહોળી સંખ્યામાં છાત્રો, શહેરીજનો સહિતના જોડાયા હતા.








