દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી અભિયાન” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમો યોજાયા
માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય અભિયાન(૨૫ નવેમ્બર-૧૦ ડિસેમ્બર)ની ઉજવણીરૂપે જિલ્લાની વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને અભિયાનને લગતાં વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે સાયબર ગુંડાગીરી, ડેટા સુરક્ષા અને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટેની સાવચેતીઓ અને કાયદાકીય જોગવાઈઓ વિશે સાયબર ક્રાઇમ જાગૃતિ ફેલાવાઈ હતી. યુવાનોને શારીરિક અને માનસિક સુખાકારી માટે અંગત સ્વચ્છતાના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. વધુમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ મહિલાલક્ષી અને બાળકલ્યાણલક્ષી યોજનાઓ જેવી કે મિશન શક્તિ, વન સ્ટોપ સેન્ટર (સખી), સ્વધાર ગૃહ, વગેરે વિશે, મુશ્કેલીના સમયમાં તાત્કાલિક સહાય મેળવવા માટેના આવશ્યક હેલ્પલાઇન નંબરો જેમ કે ૧૮૧- અભયમ મહિલા હેલ્પલાઈન),૧૦૯૮ (બાળ સુરક્ષા હેલ્પલાઈન),૧૦૦ (પોલીસ),૧૦૮ (એમ્બ્યુલન્સ) વિશે જાણકારી આપી, વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી પહોંચાડવા માટે પ્રેરિત કરાયા હતા.





