પવન અને સોલાર ઊર્જાથી નવી ઓળખ પ્રસ્થાપિત કરતો દેવભૂમિ દ્વારકા જિલ્લો

રૂ.૭ હજાર કરોડથી વધુ રકમના પ્રસ્તાવિત રોકાણ સાથે વિવિધ ક્ષેત્રોમાં ૨૩ જેટલા એમ.ઓ.યુ
*****
પર્યાવરણની જાળવણી સાથે ટકાઉ વિકાસના લક્ષ્ય થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો માધ્યમ બનશે
*****
આજથી બે દાયકા પૂર્વે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી નેતૃત્વ હેઠળ શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે ગુજરાતના સર્વાંગી વિકાસનું પ્રેરણાસ્રોત બની ગઈ છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવો, રોકાણ આકર્ષવું અને વ્યાપક રોજગાર સર્જન દ્વારા નાગરિકોને આર્થિક રીતે સશક્ત બનાવવો આ તેના પાયાના ઉદ્દેશ્યો રહ્યા છે. નાનું બીજ સ્વરૂપે પ્રારંભ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત આજે વિકાસના વિશાળ વટવૃક્ષરૂપે ફેલાયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, ડિજિટલ ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ વિકાસમાં સ્થાનિક, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો પણ ભાગીદાર બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રિજિયોનલ કોન્ફરન્સ યોજાનાર છે. તે પહેલાં યોજાયેલા જિલ્લા સ્તરીય કાર્યક્રમોના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન રૂ.૭,૧૪૬ કરોડથી વધુના પ્રસ્તાવિત રોકાણ માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા, જે જિલ્લાની ઔદ્યોગિક વિકાસ ક્ષમતાને પથદર્શિત કરે છે.
આજના સાંપ્રત સમયમાં પર્યાવરણીય અસમતુલા વૈશ્વિક ચિંતા બની રહ્યું છે. આવા સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના, સોલાર રૂફટોપ યોજના અને પ્રધાનમંત્રી કિસાન ઉજ્વલા (કુસુમ) યોજના દ્વારા રિન્યુએબલ એનર્જીને નવી દિશા મળી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પણ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે પ્રતિબદ્ધતા સાથે આગળ ધપી રહી છે.
વિશાળ દરિયાકાંઠો ધરાવતા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસની વિપુલ તકો રહેલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ખાસ કરીને પવન ઊર્જા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર બની રહ્યો છે. જિલ્લામાં પવનચક્કીઓ દ્વારા નોંધપાત્ર વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલા જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં માત્ર રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે જ ₹૭ હજાર કરોડથી વધુના એમ.ઓ.યુ. થયા, જે પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસ માટે સીમાચિન્હ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો તથા નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો પ્રોત્સાહક એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. જેમાં જુનિપર ગ્રીન એનર્જી લી. દ્વારા રૂ.૪૫૦૦ કરોડ, શિવમન વિંડ એનર્જી પ્રાઈવેટ લી. દ્વારા રૂ.૯૧૦ કરોડ, સુઝલોન વેસ્ટર્ન ઈન્ડિયા પ્રોજેક્ટ્સ લી. દ્વારા રૂ.૯૦૦ કરોડ, પાવરિકા લી. દ્વારા રૂ.૮૦૦ કરોડ, હાઈલાઇન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૭.૮૧ કરોડ, ગ્લોબલ માઇન્સ એન્ડ મિનિરલ દ્વારા રૂ.૭ કરોડ, સ્ટાર મિનિરલ દ્વારા રૂ.૩.૯૮ કરોડ, શ્રી કૃષ્ણ કૃપા સ્ટોન ક્રશર દ્વારા રૂ.૩.૭૦ કરોડ, રામ સ્ટોન ક્રશર દ્વારા રૂ.૩.૪૪ કરોડ, શુભમન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૧.૭૭ કરોડ, વિનાયક એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ.૧.૧૭ કરોડ, સગુણા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૧.૨૦ કરોડ, કનૈયા ટ્રેડર્સ દ્વારા રૂ.૧.૦૯ કરોડ, રાધેશ્યામ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૦.૮૨ કરોડ, ચંદ્રભાગા એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ.૦.૭૫ કરોડ, ગણેશ ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૭૫ કરોડ, ગોકુલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૦.૬૫ કરોડ, શ્રી આવળ કૃપા ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૫૮ કરોડ, આલાબાપુ ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૪૯ કરોડ, ક્રિષ્ના મિલ દ્વારા રૂ.૦.૪૬ કરોડ, નાગેશ્વર ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૪૬ કરોડ, શ્રી નાથજી મીની ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૩૦ કરોડ તેમજ જયકિશન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૦.૩૦ કરોડના સૂચિત રોકાણ એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.
હરિત ઊર્જા, ઉદ્યોગ અને રોકાણના સમન્વયથી ગુજરાત આજે વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. પર્યાવરણની જાળવણી સાથે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતી આ પહેલો પરિણામે “વિકસિત ભારત–૨૦૪૭”ના લક્ષ્યાંકને સાકાર કરવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ પોતાનું યોગદાન આપી રહ્યો છે.






