દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે નગરપાલિકાના પ્રમુખ શ્રી રચનાબેન મોટાણીના અઘ્યક્ષસ્થાને ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરાઈ

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
‘નારી વંદન ઉત્સવ’ એટલે મહિલાઓની સુરક્ષા, કલ્યાણ અને સશકિતકરણનો ઉત્સવ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે ખંભાળિયા ટાઉનહોલ ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી નગરપાલિકાના પ્રમુખશ્રી રચનાબેન મોટાણીના અઘ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ અને નગરપાલિકાના પ્રમુખશ્રી રચનાબેન મોટાણી દ્વારા હાજર મહિલાઓને પોતાના કુટુંબના કલ્યાણ અને દેશહિતમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. દરેક મહિલા પોતાના પરિવારની દેખરેખ સાથે પરિવારને આર્થિક રીતે ટેકો કરવા માટે સક્ષમ બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં સરકારી યોજનાઓનો લાભ મેળવી દીકરીઓ ભણી ગણીને આગળ વધે અને પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ કણજારીયા દ્વારા મહિલાઓને દેશના વિકાસમાં સહભાગી થવા માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં અપાતી અનામત અને મહિલાઓ રોજગારમાં આગળ આવે તે માટે નોકરીઓમાં આપવામાં આવતી અમાનતનો વધુમાં વધુ લાભ લેવા માટે આહવાન કર્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશ ભાંભી દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેની સરકારના વિવિધ વિભાગો જેવા કે સમાજ કલ્યાણ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રોજગાર કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાષ્ટ્રીય શહેરી અને ગ્રામીણ આજીવિકા મિશન વગેરે દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. ઉપરાંત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મળતી જેમાં ૨ લાખ સુધીની સબસિડી વાળી લોન વિષે જાણકારી આપી હતી.
સમાજમાં મહિલાઓને પગભર બનાવવા માટે પોતાનું યોગદાન આપનાર મહિલાઓનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજનાનાં લાભાર્થીઓને સહાયના મંજુરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ ચાવડા, જામખંભાળીયા નગરપાલિકાનાં કારોબારી ચેરમેનશ્રી રેખાબેન ખેતીયા, ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિલેશ ચાવડા, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી પ્રફુલ જાદવ, અગ્રણી શ્રી પ્રતાપભાઇ પીંડારીયા, ઉપરાંત રોજગાર કચેરીમાંથી પ્લેસમેન્ટ ઓફીસર શ્રી આર.એન.વાણવી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ એઈડ કાઉન્સિલ ગોપીબેન મૂંગરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના સખી વન સ્ટોપ સેન્ટર, ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ, નોકરી ઇચ્છુક મહિલા ઉમેદવારો, નોકરી દાતાઓ તથા અન્ય મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







