વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધી રહેલુ પ્રમાણ તંત્રની નિષ્ફળતાની નિશાની છે : સુપ્રીમ કોર્ટે

સ્કૂલ, કોલેજો અને કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, આત્મહત્યાનું પ્રમાણ વધવા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશ માટે ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન વિદ્યાર્થીઓની આ પ્રકારની સમસ્યાઓના ઉકેલ લાવવા માટે જાહેર કરાઇ છે. રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ વધવાની સુપ્રીમે નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધી રહેલુ પ્રમાણ તંત્રની નિષ્ફળતાની નિશાની છે. તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરી હોત અને આ મુદ્દે ધ્યાન કેન્દ્રીત કર્યું હોત તો આ વિદ્યાર્થીઓને બચાવી શકાયા હોત.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મેહતાની બેંચે કહ્યું હતું કે વિદ્યાર્થીઓમાં વધી રહેલી આત્મહત્યા ખરેખર એક ગંભીર મામલો છે, જેને પગલે બંધારણીય દખલ દેવી જરૂરી છે. વિશાખાપટ્ટનમમાં એક હોસ્પિટલની છત પરથી પડવાથી વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું જે નીટની તૈયારી કરી રહી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન જ સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી 15 જેટલી ગાઇડ લાઇન જાહેર કરી છે. સાથે જ વિદ્યાર્થિનીના મૃત્યુની તપાસ સીબીઆઇને સોંપવા આદેશ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કુલ આંકડા પણ રજુ થયા હતા, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ વર્ષ 2022 માં આત્મહત્યાની 170924 ઘટના સામે આવી હતી. જેમાંથી 7.6 ટકા એટલે કે 13044 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે કે જેમણે માનસિક તણાવને કારણે જીવન ટુંકાવી લીધું. સુપ્રીમની બેંચે નોંધ્યું હતું કે જે પણ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તેમાંથી 2248એ પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે જીવન ટુંકાવ્યું. છેલ્લા બે દસકામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2001માં આંકડો 5425 હતો જે 2022માં વધીને 13044એ પહોંચી ગયો.
શૈક્ષણિક સંસ્થાનો માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન
સુપ્રીમે પોતાના આદેશમાં કહ્યું છે કે દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સમાન પોલિસી લાગુ કરવાની રહેશે.
કેન્દ્ર સરકારના UMMEED કાર્યક્રમનું યોગ્ય રીતે અમલ કરવા કહ્યું છે.
UMMEED એટલે કે અન્ડરસ્ટેન્ડ, મોટિવેટ, મેનેજ, એમ્પથાઇઝ, એમ્પાવર એન્ડ ડેવલપ.
વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ ઘટાડવો અને તેમને આત્મહત્યા કરતા અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવા સુપ્રીમ કોર્ટે રાજ્યોને આદેશ આપ્યો છે.
સુપ્રીમે આદેશ આપ્યો છે કે 100 કે તેથી વધુ વિદ્યાર્થી ધરાવતી દરેક શૈક્ષણિક સંસ્થાએ એક માન્ય કાઉન્સેલર, સાઇકોલોજિસ્ટ કે સોશિયલ વર્કરની ભરતી કરવાની રહેશે.
ઓછા વિદ્યાર્થી હોય તો બહારથી સેવા લેવામાં આવે.
અત્યંત ઉંચી ઇમારતોમાં રૂફટોપ, બાલ્કની પર જતા અટકાવવા, ટેમ્પર પ્રૂફ સીલિંગ ફેન લગાવવા.
કોચિંગ સેન્ટરોમાં ફરિયાદ નિવારણ કેન્દ્ર તૈયાર કરવાનું રહેશે. આ તમામ નિયમો બે મહિનાની અંદર લાગુ કરવા સુપ્રીમે કહ્યું છે



