મિલેટ મહોત્સવ 2025: અમદાવાદમાં રાજ્યકક્ષાનો બે દિવસીય મેળો, મિલેટ ફૂડ સ્ટોલ્સ અને પ્રદર્શનનું ખાસ આકર્ષણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં 8 અને 9 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025″નું આયોજન કરાયું છે. આ મહોત્સવનો રાજ્યકક્ષાનો પ્રારંભ અમદાવાદ ખાતે થશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે, જ્યારે સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ગુજરાતભરના મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો, ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. મહોત્સવ દરમિયાન વિવિધ પરિસંવાદો, તાલીમ કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ ઉપરાંત મિલેટ વેચાણ અને પ્રદર્શન સ્ટોલ્સ તેમજ લાઈવ ફૂડ સ્ટોલ્સ ખાસ આકર્ષણ રહેશે.
મહોત્સવમાં 105 જેટલાં સ્ટોલ્સ પર વિવિધ પ્રકારના મિલેટ આધારિત પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતીના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ થશે. જેમાં મિલેટ સ્નેક્સ, મીઠાઈ, ફ્લોર, શરબત, રેડી-ટુ-ઈટ પ્રોડક્ટ્સ, બિસ્કીટ્સ, ખાખરા, નૂડલ્સ, પાસ્તા, દલિયા, ઓર્ગેનિક મિલેટ અને અન્ય ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ રહેશે.
ઉપરાંત, 25 જેટલાં લાઈવ ફૂડ સ્ટોલ્સ પર વિવિધ સ્વાદિષ્ટ મિલેટ વાનગીઓ જેમ કે ઢોકળાં, થેપલાં, ખીચું, ભેળ, ચાટ, ઢોસા, ઈડલી, સુપ, લાડુ, કઢી, પુરી, નાચોઝ, ચિપ્સ, બ્રાઉની, હાંડવો, પાણીપુરી, લાપસી, ખીચડી, રોટલા, સેવ મમરા, મફીન્સ, પફ વગેરેનો આસ્વાદ માણવાની તક મળશે.
રાજ્ય સરકારના કૃષિ અને બાગાયત વિભાગો તથા સંકળાયેલી સંસ્થાઓ દ્વારા પણ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી અને બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.



