ડાંગ જિલ્લામાં વન્ય પ્રાણીના હુમલાનો ભોગ બનનાર બાળકના પરિવાર પ્રત્યે રાજ્ય સરકારની સંવેદના….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગત તા.૨૩મી ડિસેમ્બરે ડાંગ જિલ્લાના ઘનઘોર જંગલ વિસ્તારના મહાલ ગામે જંગલી દીપડાના હુમલાને કારણે એક બાળકના નીપજેલા મોતના કમનસીબ બનાવને પગલે, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત તથા સ્થાનિક ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે અસરગ્રસ્ત પરિવારની જાત મુલાકાત લઈ, તેમના પ્રત્યે રાજ્ય સરકારની સંવેદના પ્રગટ કરી હતી. વન્ય પ્રાણીના હુમલાનો ભોગ બનનાર સાત વર્ષિય બાળક નામે રિતિક જીતેશભાઈ ઘુલુમના માતા તથા દાદીને રાજ્ય સરકારવતી રૂ.દસ લાખનો ચેક અર્પણ કરતા પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, મૃતક બાળકની ખોટ તો ના પૂરી શકાય, પરંતુ અસરગ્રસ્ત પરિવારને આર્થિક સધિયારો પૂરો પાડી તેમની પડખે રહી શકાય તેવા વન વિભાગ, વહીવટી તંત્ર, અને રાજ્ય સરકારનો આ સ્તુત્ય પ્રયાસ છે તેમ કહ્યું હતું. દીપડાને પાંજરે પુરવા વન વિભાગ પ્રયાસરત છે. ત્યારે જ્યાં સુધી આ દીપડો પાંજરે ના પુરાય ત્યાં સુધી ગ્રામજનોને સાવચેત રહેવાની અપીલ કરતા આ જનપ્રતિનિધિઓએ, વન વિભાગના પ્રયાસોમાં સૌને સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો.મહાલ ખાતે અસરગ્રસ્ત પરિવારની પ્રભારી મંત્રીશ્રીની આ મુલાકાત વેળા અગ્રણી કાર્યકરો સર્વશ્રી રાજેશભાઈ ગામિત, સુભાષભાઈ ગાઈન, મહાલના મહિલા સરપંચ સહિત સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી મુરારીલાલ મીણા, વન અધિકારીઓ સહિત સંબંધિતો ઉપસ્થિત રહ્યા હતા.



