દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

પ્રભારી મંત્રીશ્રીએ સ્વચ્છતા, પાણી, આરોગ્ય સહિતના કામો વિશે તલસ્પર્શી માહિતી મેળવી બાકી કામો તાકીદે પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લાગતી બાબતોના કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખંભાળિયા ખાતે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે જિલ્લાના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ પાણી પુરવઠો, સિંચાઈ, અન્ન પુરવઠો, કૃષિ, વીજ પુરવઠો, આરોગ્ય, પ્રવાસન તથા કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણ લક્ષી યોજનાઓના લાભ, જિલ્લામાં કાર્યરત પ્રોજેક્ટ્સ સહિતના અન્ય વિભાગોના કામો વિશે તલસ્પર્શી માહિતી મેળવી વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ તકે ચોમાસાની ઋતુને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તકેદારી લેવા તેમજ ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં સાવચેતી માટે કોઝ-વે તથા ડેમ સાઈટ પર ચેતવણી દર્શક ચિન્હો લગાવવા વગેરે જરૂરી પગલાંઓ લેવા તેમજ રહેણાંક વિસ્તારોમાં વરસાદને લીધે સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી માટે દવા છંટકાવ વગેરે માટે તાકીદ કરી હતી. વધુમાં જિલ્લાના પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા, પાણી પુરવઠા સહિતની સુવિધાઓ સુનિશ્ચિત થાય તે માટે સૂચનાઓ આપી હતી. ઉપરાંત, કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણ્કારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડવા તથા સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રીના કામોને અગ્રતા આપવા જણાવ્યું હતું. વિવિધ વિભાગના પડતર પ્રશ્નો અંગે માહિતી મેળવીને તેના પર વિસ્તૃત ચર્ચા કરી તાકીદે કામો પૂર્ણ કરવા મંત્રીશ્રીએ જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં કલેકટર શ્રી જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.ધાનાણી, નિવાસી અધિક કલેકટર શ્રી ભુપેશ જોટાણીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





