વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૨૫ જુલાઈ : કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ , નવી દિલ્લી દ્વારા દર વર્ષે અખિલ ભારતીય મુલ્કી સેવા રમત-ગમત સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેમાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓ ભાગ લે છે.તાજેતરમાં ગાંધીનગર ખાતે સરકાર દ્વારા આ પ્રકારની વર્ષ 2024-25 ની ત્રિદિવસીય રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ વિવિધ રમતો પૈકી ચેસ સ્પર્ધામાં ભુજની શ્રી પોલીસ હેડ ક્વાર્ટર પ્રા. શાળા ન. 7 ના શિક્ષિકા શ્રીમતી જયશ્રીબેન ચૈતન્યભાઈ આર્યએ ૫ણ ભાગ લીધો હતો. જેમાં તેમણે ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્યકક્ષાની ગુજરાતની ટીમમાં સતત ત્રીજી વખત પસંદગી પામી કચ્છનું ગૌરવ વધાર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષોથી જયશ્રીબેને ઓડીશા ભુવનેશ્વર અને ગોવા ખાતે રાષ્ટ્રીય ક્ક્ષાએ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લઇ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી કચ્છને ગૌરવ અપાવ્યું હતું. હવે તેઓ આગામી સમયમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધામાં કચ્છ સહિત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.આ તકે જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓ – પદાધિકારીઓ ઉપરાંત શિક્ષક સંઘના હોદ્દેદારો અને શાળા પરિવારે તેમને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.