Rajkot: તુવેરમાં રોગના સંકલિત વ્યવસ્થાપન માટે સૂચનો
તા.૧૯/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા તુવેરમાં સુકારો (વિલ્ટ), મૂળ અને થડનો કોહવારો, વંધ્યત્વ રોગના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે લેવાના પગલાં સૂચવ્યા છે. જે નીચે મુજબ છે.
વાવણી માટે રોગમુક્ત બીજ અને ખેતરની પસંદગી કરવી, જ્યાં પાણી ભરાતું હોય ત્યાં વાવેતર કરવું નહીં.
તુવેરમાં વંધ્યત્વનો રોગ અટકાવવા માટે આગળના વર્ષના છોડ જો શેઢાપાળા પર કે ખેતરમાં રહી ગયેલા હોય તેને દૂર કરવાં.
દર ત્રણ વર્ષે દિવેલા કે જુવાર પાકની સાથે પાક ફેરબદલી કરવી જોઈએ.
તુવેરના પાકમાં મકાઇને આંતરપાક તરીકે લેવાથી સુકારો રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે.
દિવેલીનો ખોળ ૧૦૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર વાવેતર પહેલાં જમીનમાં આપવો જોઈએ.
જમીનને તૈયાર કરતી વખતે ૧૦ ટન પ્રેસમડ અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ ફુગની વૃદ્ધિ કરી હોય તેવું છાણિયું ખાતર ૦૨ ટન પ્રતિ હેક્ટર મુજબ ચાસમાં આપવું જોઈએ.
રોગ સામે પ્રતિકારકતા ધરાવતી જાતો જેવી કે, જી.જે.પી.-૧, બી.ડી.એન.-૨, વૈશાલી અને આઈ.સી.પી.એલ. ૮૭૧૧૯ જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ.
જૈવિક કે પ્રાકૃતિક પદ્ધતિ બીજ માવજત માટે ૦૪ ગ્રામ ટ્રાયકોડર્મા હરજીનીયમ અને ૦૨ ગ્રામ વાઇટાવેક્ષ પ્રતિ કિલોગ્રામ બીજ મુજબ બીજ માવજત આપવી જોઈએ.
બીજ માવજત તરીકે કાર્બેન્ડાઝીમ ૦૧ ગ્રામ કે થાયરમ ૦૨ ગ્રામ પ્રતિ કિલોગ્રામ અને ટ્રાયકોડર્મા વીરડી ૨.૫ કિલોગ્રામ અને ૨૫૦ કિલોગ્રામ એરંડીનો ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું જોઈએ.
તુવેરમાં વંધ્યત્વ રોગના નિયંત્રણ માટે પાકની સમયસર વાવણી કરવી અને બે હાર વચ્ચે ૩૦થી ૪૦ સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ.
વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ / જીવાત માટેની દવાનો ઉપયોગ કરવો જોઈએ. આ અંગે વધુ જાણકારી નજીકના વિસ્તારના ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) / નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે.
(સ્ત્રોત : જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટી)