DEVBHOOMI DWARKAKHAMBHALIYA

બાળકને આંખમાં થયેલ ગંભીર ઇજાની ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે સફળ સારવાર કરી  બાળકની દ્રષ્ટિ બચાવતા તબીબો

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા

        જનરલ હોસ્પિટલ, જામ ખંભાલીયા,જિ.દેવભૂમિ દ્વારકા ખાતે તા.ર૯/૦૭/૨૦૨૪ સોમવારના રોજ આંખ વિભાગની ઓ.પી.ડી.માં ભરાણા ગામના સંદિપ નામના ૧૦ વર્ષના બાળકનો કેસ ગંભીર હાલતમાં આવેલ હતો. આ બાળકને ગામમાં રમતાં રમતાં લાકડાનો કટકો આંખમાં વાગેલ હતો, જેના દ્વારા આંખની અંદર સુધી પહોંચીને કીકી તથા નેત્રમણીને નુકસાન પહોંચેલ હતું. આ ગંભીર ઈજાની પરિસ્થિતિને લીધે બાળકની દ્રષ્ટી જોખમમાં મુકાઈ હતી.

        ખંભાળિયા જિલ્લા હોસ્પિટલમા આંખ વિભાગ ખાતે ફરજ બજાવતા ડૉ.ઉત્સવ પડિયા અને ટીમ દ્વારા બાળકની દૃષ્ટિ બચાવવા બે તબક્કામાં ઓપરેશનો કરવામાં આવ્યા હતાં, જેમાં પ્રથમ કીકીનું ઓપરેશન અને બીજા તબક્કામાં નેત્રમણિનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ બે મોટા અને જટીલ ઓપરેશન દ્વારા બાળકની દ્રષ્ટિ બચાવવા માટે ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. બાળક અને પરિવારે પણ આ માટે આભાર વ્યક્ત કર્યો હતો, તેમ હોસ્પિટલના અધિક્ષકશ્રીની યાદીમા જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!