દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્મ મરણ નોંધણી માટેના “CRS” પોર્ટલ અંગેની તાલીમ યોજાઈ

જિલ્લામાં નોંધાતા જન્મ – મરણ અંગે ક્ષતિરહિત અને સમયસર નોંધણી થાય અને આ બાબતે નિયમિત ધોરણે સમીક્ષા થાય તે હેતુથી સરકાર દ્વારા જન્મ મરણના બનાવોની નોંધણી માટે CRS પોર્ટલ કાર્યરત કરવામાં આવેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્મ મરણના બનાવોની નોંધણી અંગે કામગીરી સંભાળતા અધિકારીઓ તથા કર્મચારીઓને “CRS” પોર્ટલ અંગે વિસ્તૃત જાણકારી મળી રહે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ CRS પોર્ટલમાં જન્મ મરણ નોંધણી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જન્મ મરણના બનાવોની એન્ટ્રી, વેરિફિકેશન, દત્તક બાળકોની એન્ટ્રી તથા જન્મ મરણના પ્રમાણપત્રોની ઓનલાઈન ફી વસૂલાત સહિતની કામગીરીઓની તાલીમ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જન્મ મરણ નોંધણી અધિનિયમ ૧૯૬૯ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાતા જન્મ – મરણ ના બનાવોની નોંધણી ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી કમ મંત્રી, શહેરી વિસ્તારોમાં સબ રજિસ્ટ્રાર તેમજ જંગલ વિસ્તારોમાં રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા કરવામાં આવે છે.
આ તાલીમમાં સબ રજિસ્ટ્રાર, તાલુકો પંચાયતના આંકડા મદદનીશો, રાઉન્ડ ફોરેસ્ટરો તથા સંલગ્ન કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




