દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુર્ગમ ટાપુઓ પર રાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરાઈ
*****
૭૭માં પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ (MTF) તથા ભારતીય નૌકાદળના સંયુક્ત આયોજન હેઠળ જિલ્લાના અતિ દુર્ગમ અને દરિયાઈ વિસ્તારમાં આવેલા ટાપુઓ પર ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.
આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુર્ગમ અઝાડ, ધબધબો, લેફામારૂડી, માનમરૂડી, સામિયાણી, રોજી, સિયાયડી, ગાડૂ, કાળુભાર, ભૈદર, ખારા ચુસણા, મીઠા ચુસણા, દિવડી, કૂડચલી તથા આસાભા સહિત કુલ ૧૫ ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રીય એકતા, અખંડતા અને દેશપ્રેમની ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
દરિયાઈ સુરક્ષા સાથે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બનેલી આ અનોખી પહેલ દ્વારા સુરક્ષા દળોની સતર્કતા, સમર્પણ અને દેશભક્તિ ઉજાગર થઈ હતી.
આ કાર્યક્રમ દ્વારા દેશના છેવાડાના વિસ્તારમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો.








