DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાનેલી ગામના વિનોદ કરમુરે મલેશિયા ખાતે આયોજિત ૧૦મી આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવ ૨૦૨૪માં મેળવ્યો સુવર્ણ ચંદ્રક

ગુજરાતના યુવાને મલેશિયા ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવમાં લાંબી કૂદ તથા ઊંચી કૂદમાં હરીફોને આપી પછળાટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધરતીપુત્રએ દ્રઢ સંકલ્પ અને પરિશ્રમથી મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ

રાજ્ય સરકારના ખેલ મહાકુંભ જેવા આયોજન યુવાઓની રમતગમત ક્ષેત્રે પ્રતિભા ઉજાગર કરવાનું એક ઉમદા પ્લેટફોર્મ બની રહ્યું છે : વિનોદ કરમુર

       સામાન્ય માણસનું જીવન સીધા રસ્તા જેવું હોય છે. જયારે કંઇક કરવાના ભાવ સાથે જીવતા માણસનું જીવન ઉછળતા દરિયા જેવું હોય છે. આવો માણસ જીવે છે, ત્યારે એની અંદર જવાળાઓ ફૂંફાડા મારે છે. અંદરની આગથી જેનું લલાટ ઝળહળે છે. જેની હાજરીથી સામાન્ય લોકોમાં ઇર્ષા અને અહોભાવ ઉભય લાગણી વિના પ્રયત્ને જન્મે છે. આવા માણસને ક્રિએટીવ કહેવામાં જરાય અતિશયુક્તિ ન લાગે.

        ક્રિએટિવિટી વાસ્તવમાં તો જૂદું જોવાની, જુદું કરવાની અને જુદું વિચારવાની જિદ્દ છે. આવી જ જિદ્દ મર્યાદાના ઢાંચામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાનકડા પાનેલી ગામમાં રહેતા ધરતીપુત્ર વિનોદ કરમુરે કરી છે. ગુજરાતની ધરા અને ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલે તેવી સિધ્ધી  હાંસલ કરી છે. વિનોદ કરમુરે મલેશિયા ખાતે આયોજિત ૧૦મી આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવ ૨૦૨૪માં સુવર્ણ ચંદ્રક મેળવીને દેશ, રાજય અને ગામને ગૌરવ અપાયું છે.

        દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયના યુવાનોમાં રહેલી ખેલકૂદની શક્તિને ઉજાગર કરવા માટે રાજયમાં ખેલમહાકુંભનો આરંભ કરાવ્યો હતો. જેના થકી આજે રાજયના કેટલાય અંતરિયાળ વિસ્તારના યુવાનોએ રાજયનું નામ રમતગમત ક્ષેત્રે અગ્રેસર કર્યું છે. જે વાતને વિનોદ કરમુરે પણ સમર્થન આપ્યું છે.

        રાજયના દરિયાઇ સીમા ઉપર આવેલા દેવભૂમિ દ્રારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં નાનકડું પાનેલી ગામ આવેલું છે. આ ગામમાં રામદેભાઇ કરમુર ખેતીવાડી કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે. રામદેભાઇના દીકરા વિનોદે કઠોર પરિશ્રમ, દ્રઢ સંકલ્પ સાથે રમત ગમત ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. સયુંકત ભારતીય ખેલ ફાઉન્ડેશન દ્રારા આયોજિત મલેશિયા ખાતે ૧૦મી આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવ ૨૦૨૪માં ૨૦૦ કરતા વધારે સ્પર્ધકોને પાછળ છોડી લાંબી કૂદ તથા ઊંચી કૂદમાં  સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર આટલું જ નહિ આગામી એશિયન ગેમ્સ માટે પણ તેમની પસંદગી થઇ  હોવાનું વિનોદ કરમુરે જણાવ્યું હતું.

        નાની ઉંમરથી જ રમત ગમત પ્રત્યે રૂચિ ધરાવતા વિનોદે રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની શરૂઆતએ રમતને પ્રોત્સાહન આપવા તેમજ યુવાનો રહેલ પ્રતિભાને પ્રોત્સાહિત કરી રહ્યું છે. કુતિયાણા ખાતે અભ્યાસ કરતી વેળાએ વિનોદને રમત ગમત ક્ષેત્રે ખાસ રુચિ થઈ, ત્યારે જ તેને આ ક્ષેત્રમાં આગળ વધવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. ત્યારબાદ તેણે પોરબંદર ખાતે કાર્યરત ડી.એલ.એસ.એસ સ્પોર્ટ્સ સંકુલ ખાતે બે વર્ષ સુધી સખત પરિશ્રમ કર્યા બાદ ગાંધીનગર ખાતે પણ ત્રણ વર્ષ સુધી તાલીમ મેળવી હતી. હાલમાં તે આણંદ ખાતે તાલીમ મેળવી આગામી ટુર્નામેન્ટ માટે પરસેવો પાડી રહ્યા છે.

        ઉલ્લેખનીય છે કે, વિનોદે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ પ્રથમ તથા રાજ્ય કક્ષાએ છઠ્ઠો નંબર પ્રાપ્ત કરી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. આગામી ટુર્નામેન્ટમાં ભાગ લઈ જિલ્લા, રાજ્ય તથા દેશનું નામ રોશન કરશે તેવો આત્મવિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.

Back to top button
error: Content is protected !!