
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા તાલુકાના ગામમાં રસ્તાઓ , ગ્રામ પંચાયત ભવન, આંગણવાડી અને પ્રાથમિક શાળાના ઓરડા જેવા વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું ** અંતરિયાળ ગામોમાં હાથ ધરવામાં આવતા માળખાકીય વિકાસ કાર્યો થકી ગામના સર્વાંગી વિકાસનો પાયો મજબૂત બની રહ્યો છે: આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલ ** આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વિવિધ ગામોમાં રૂ. ૭૦.૯૩ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકામાં વિવિધ ગામોમાં મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કુલ રૂ. ૭૦.૯૩ કરોડના વિકાસ કામોને વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યા હતા .આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આદિજાતિ વિકાસ મંત્રીશ્રીએ મુખ્ય ગામોમાં યોજાયેલા ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમોમાં ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સપનાને સાકાર બનાવવા માટે ગામડાઓમાં મજબૂત આધારભૂત માળખું ઉભું કરવું અત્યંત જરૂરી છે. માર્ગો, પંચાયત ભવન અને પ્રાથમિક શાળાઓ જેવા વિકાસકાર્યો ગામના સર્વાંગી વિકાસના મજબૂત પાયાના સ્તંભ સમાન છે. સુવ્યવસ્થિત માર્ગ વ્યવસ્થા થકી ગ્રામજનોની આવન-જાવન સરળ બનશે રોજગારની તકોમાં વધારો થશે તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવી જરૂરી સેવાઓ સુધી પહોંચ વધુ સરળ બનશે.
વધુમાં મંત્રીશ્રી જણાવ્યું કે વાંસદા તાલુકાના અંતરિયાળ ગામોમાં હાથ ધરવામાં આવતા માળખાકીય વિકાસ કાર્યો થકી ગામના સર્વાંગી વિકાસનો પાયો મજબૂત બની રહ્યો છે, જેના પરિણામે ગ્રામજનોને માર્ગ, શિક્ષણ, આરોગ્ય અને અન્ય આવશ્યક સુવિધાઓ વધુ સુલભ બનતી જઈ રહી છે. આ પ્રકારના વિકાસકાર્યો ગ્રામ વિકાસને નવી દિશા આપતાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યા છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામથી આસપાસના ૮ ગામોમાં રૂ. ૧૩.૨૨ કરોડના કુલ ૧૫ કામો , ધરમપુરી ગામથી ૯ ગામોમાં રૂ. ૧૬.૮૬ કરોડના કુલ ૧૪ કામો , કુરેલિયા ગામથી ૧૧ ગામોમાં રૂ. ૧૨.૧૧ કરોડના કુલ ૧૯ કામો , ચાપલધરા ગામથી ૫ ગામોમાં રૂ. ૨૦.૮૮ કરોડના કુલ ૧૧ કામો અને વાંદરવેલા ગામથી ૭ ગામોમાં રૂ.૭.૮૫ કરોડના કુલ ૧૨ કામો મળી કુલ ૩૬.૩૭ કરોડના ખાતમુહૂર્ત અને ૩૬.૪૩ કરોડના લોકાર્પણના કામોનો સમાવેશ થયેલ છે
ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થયેલા વિકાસ કામોમાં મુખ્યત્વે રોડ નવા રોડ તથા રિસરફેસેનિગ કામો , પ્રાથમિક શાળામાં નવા ઓરડાના કામો, આંગણવાડી તથા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ જેવા વિવિધ વિકાસ કામોનો સમાવેશ થયેલા છે. કાર્યક્રમમાં તાલુકાના પ્રમુખશ્રી , જિલ્લા પંચાયત સભ્યોશ્રી , જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા ગામોના સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





