યાત્રાધામ પાવાગઢ ખાતે પોષી પૂનમને લઈને માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૧.૨૦૨૬
આજે ગુજરાતી કેલેન્ડર મુજબ પોષ મહિનાની પૂનમ ના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં માઇ ભક્તોએ શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન નો લાવો લીધો હતો.પોષી પૂનમનું ધાર્મિક મહત્વ ખૂબ જ વિશેષ છે. હિન્દુ ધર્મમાં આ દિવસને પવિત્ર માનવામાં આવે છે.પોષી પૂનમના દિવસે શાકંભરી માતાની જયંતિ હોય છે. શાકંભરી માતાને દેવી દુર્ગાનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પૂજાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાનનું ઘણું મહત્વ છે. ભક્તો મંદિરો માં ભગવાન ના દર્શન કરી ને અને ગંગા, રેવા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પાપમુક્તિ મેળવવાની કામના કરે છે. તો ઘણા લોકો આ દિવસે વિવિધ ધાર્મિક અનુષ્ઠાન, પૂજા અને વ્રત કરે છે.પોષી પૂનમ એ આધ્યાત્મિકતા, ભક્તિ અને પવિત્રતાનો દિવસ હોવાથી આજે શનિવારે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવાર થી જ જગતજનની મહાકાળી માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોના દર્શન માટે સુંદર વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું હતું તો ભક્તો સરળતાથી માચી સુધી જઈ માતાજીના દર્શન કરી શકે તે માટે પોલીસ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.










