
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સર્વત્ર શિવમય વાતાવરણ જોવા મળ્યું હતુ.વહેલી સવારથી જ જિલ્લાના ખૂણેખૂણે આવેલા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતુ.ખાસ કરીને બરમ્યાવડ શિવ મંદિર, સાપુતારા સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિર, ખાતળ અને ચીંચલીના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કરી સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી.
જિલ્લા મથક આહવા તેમજ શામગહાન અને નિંબારપાડાના મંદિરોમાં પણ ‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ કલાકો સુધી કતારમાં ઉભા રહી ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પવિત્ર દિવસ નિમિત્તે ડાંગના ગ્રામીણ વિસ્તારોમાં શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. બરમ્યાવડ, નિંબારપાડા અને ભેંસકાતરી પાસે માયાદેવી નજીક આવેલા શિવ મંદિરે પરંપરાગત મહાશિવરાત્રિની જાત્રા (મેળા)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાઓમાં ડાંગના અંતરિયાળ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતા, જેના કારણે લોકજીવનમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માયાદેવીના રમણીય લોકેશન પર આવેલા શિવાલયમાં દર્શન સાથે કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવા માટે પણ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. આમ, શિવાલયોમાં વિશેષ પૂજા-અર્ચના, આરતી અને ભક્તિ સંગીતના કાર્યક્રમો સાથે સમગ્ર ડાંગ જિલ્લો શિવભક્તિના રંગે રંગાયો હતો..






