
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સુરાશામળ ગામે
અંદાજિત ₹1.16 કરોડના ખર્ચે બનનાર દિવેર થી સુરાશામળ રીસર્ફેસિંગ રોડ તેમજ અંદાજિત ₹25 લાખના ખર્ચે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત વિધિવત રીતે ઉજવાયું હતું.
આ પ્રસંગે ધાર્મિક વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી ગામજનો દ્વારા રોડના સુધારણા અને સુવિધાસભર પંચાયત ઘરની માંગણી કરવામાં આવી રહી હતી. હવે આ બંને મહત્વપૂર્ણ કાર્યોને મંજુરી મળતા અને પ્રારંભ થતા ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યક્ત થઈ રહી છે.
સાથે સાથે નવીન પંચાયત ઘર ગામના વહીવટી કાર્યો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે. અહીં બેઠકખંડ, દસ્તાવેજ વ્યવસ્થાપન સુવિધા તથા ગ્રામજનો માટે સરળ પહોંચ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. પંચાયત ઘર ગામના વિકાસ આયોજન, સરકારી યોજનાઓની અમલવારી અને જનસંભાળ માટે કેન્દ્રસ્થાન સાબિત થશે.
ખાતમુહૂર્ત પ્રસંગે ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓએ જણાવ્યું હતું કે સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ વધુ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. સંગઠનના હોદ્દેદારો અને ગ્રામ્ય આગેવાનો દ્વારા પણ આ કાર્યોને ગામ માટે માઇલસ્ટોન ગણાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસના આ શુભ પ્રારંભને વધાવી લીધો હતો. ગામના સર્વાંગી વિકાસ તરફ આ પગલું મહત્વપૂર્ણ સાબિત થશે તેવી સર્વત્ર આશા વ્યક્ત કરવામાં આવી હતી.




