
શ્રી ગણેશ સુગર ની ૩૮ મી વાર્ષિક સાધારણ સભા મળી, 


તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા.
ઝઘડિયા વાલિયા નેત્રંગ વિગેરે તાલુકો તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારીયાની ૩૮ મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાની અધ્યક્ષતામાં મળી હતી. આ સભામાં કસ્ટોડિયન કમિટીના સભ્યશ્રીઓ, માજી ડિરેકટરશ્રીઓ, મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, ખેડૂત આગેવાનો અને સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ઉપ પ્રમુખ પુષ્પેન્દ્રસિંહ સુણવા એ સભામાં ઉપસ્થિત હાજર સૌ કોઈનું સ્વાગત કર્યું હતું. તેઓએ કસ્ટોડિયન કમીટીના વહીવટનો ચિતાર સભાસદો સમક્ષ રજુ કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કે તાજેતરમાં ખાંડ નિયામક તેમજ સરકારના અન્ય વિભાગોમાં અમુક ઈસમો દ્વારા ગણેશ સુગરને નુકશાન કરવાના હેતુથી પાયા વિહોણી અરજીઓ કરવામાં આવી હતી. તેમજ તેઓ સસ્તી લોકપ્રિયતા હાસલ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ભ્રામકતા ફેલાવી સભાસદોને ગેરમાર્ગે દોરી ગણેશ સુગરને તેમજ સરકારશ્રીને પણ બદનામ કરવાનું કૃત્ય આચરી રહ્યાં છે. ખરેખર આમાથી કેટલાક તો ગણેશ સુગરના સભાસદ પણ નથી અને સંસ્થામાં શેરડી પણ નાખતાં નથી. વાઈસ ચેરમેન એ આવા તત્વોને ખુલ્લા પાડતાં જણાવ્યુ હતું કે આ આવેદનો અને રજુઆતો કરતાં ઈસમોમાં એક વ્યકતી એવા છે કે જેઓને સંસ્થાના નીતિ નિયમો નેવે મૂકીને ધિરાણ આપી ન શકાય એમ હોય તેમ છતા કોઈપણ જાતના ઠરાવ વગર ધરખમ ધિરાણ આપવામાં આવેલ છે. એક વ્યકતી એવા છે કે જેઓએ સભાસદોના નામ પર ઓછા ભાવે સંસ્થામાંથી કંપોસ્ટ મેળવી બજારમાં વધુ ભાવે વેચી વેપાર કરી અંગત લાભ મેળવેલ છે. તેમજ આશરે સત્તર વર્ષ પહેલા મૃત થયેલ સભાસદ નામે કોડ પડાવી એના નામ પર ખાતર મેળવેલ છે. હજુ પણ તેઓ પાસે સંસ્થાના લેણાં બાકી પડે છે. એક વ્યકતી તો એવા છે કે જેઓ સંસ્થામાં કર્મચારી હતા તેઓ કર્મચારીઓને હેરાન કરવામાં મોખરે હતા તેમજ પંચ મારી નોકરી કરવી નહીં અને ઘરે જતાં રહેવામાં મોખરે હતા. તેઓને તેઓની નોકરી દરમ્યાન ૨૧ નોટીસ મળેલ છે. કસ્ટોડિયન કમીટી આવતા તેઓએ રાજીનામું મુકવું પડેલ. તેમજ જે-તે સમયે પેટ્રોલ પંપ ઉપર તેઓની અંદરમાં ઘટ આવવાથી ખુબ નુકશાન કરેલ છે. આવા ઈસમો સંસ્થા બચાવવા રજુઆતો કરવા જાય છે અને ભ્રામકતા ફેલાવે છે. તેમજ સંસ્થાને નુકશાન કરવાનું કૃત્ય કરે છે. આવા તત્વોને વાઈસ ચેરમેને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેકયો છે અને ચોપડા ખુલ્લા છે જે સભાસદોને જોવું હોય તો વહીવટ જોઈ શકે છે એમ જણાવ્યુ હતું. સંસ્થાના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાએ સંસ્થાની રૂપરેખા સભાસદો સમક્ષ આપી તાજેતરમાં મજુરોની ઘટ અંગે ચિંતા વ્યકત કરી હતી. આ પરિસ્થિતીને પહોચવી વળવા હાર્વેસ્ટર મશીનો કાર્યરત કર્યા છે અને જરૂરિયાત મુજબ અન્ય સુગર ફેકટરી પાસેથી હાર્વેસ્ટર મેળવી સભાસદોની શેરડી કાપણી કરી રહ્યા છે. તેઓએ સંસ્થાને બદનામ કરનારા તત્વો અંગે જણાવ્યુ હતું કે તેઓ સંસ્થાને તાળાં મરાવવા ટારગેટ રાખી આવા કૃત્ય કરી રહ્યા છે. સંસ્થાને તાળાં વાગે તો તેઓની પાસેથી તેઓની ગેરરીતિઓ બહાર પડતી અટકે અને એમની પર ચાલતી કાર્યવાહીઓ બંધ થાય એવો હેતુ થી તેઓ કામે લાગ્યા છે. પરંતુ છેલ્લા શ્વાસ સુધી તેમની સામે લડીશું પણ સંસ્થાને આચ આવશે નહિ. તેઓએ પડકાર ફેકતા જણાવ્યુ હતું કે સોશિયલ મીડિયામાં ભ્રામક વાતો ફેલાવવાના પ્રયત્નો કરવા કરતાં સામે આવો અને પુરાવા સહિત રજુઆતો કરો, જો ગેર વહીવટ સાબિત થાય તો તેજ સમયે સંસ્થાના પગથિયાં ઉતરી જવા અમો તૈયાર છીએ. શેરડી ભાવ અંગે જણાવ્યુ હતું કે સંસ્થાના ઓછા ભાવ માટે પણ પાછલો વહીવટ જવાબદાર છે. સંસ્થાની ખુબજ મોટી રૂ।.૪૫ કરોડ જેટલી મૂડી ફસાયેલી પડી છે. જો એ મૂડી ફસાયેલ ન હોત તો ખેડૂતોને વધુ ભાવ મળી શકયા હોત. પાછલા વહીવટકર્તા ના દેવા પણ અમારા શીરે ભરવાના આવેલ છે. જો તે ન ભરે તો સરફેસ એકટ હેઠળ સંસ્થાને તાળાં વાગે જેથી દેવું ચુકવવું અને ખેડૂતોને ભાવ આપવો એ બંને પરિબળો હાલ પડકારરૂપ છે. તેમ છતાં આગામી સીઝનમાં ખેડૂતોને સારા ભાવ મળે એ માટે અમો પ્રયત્નશીલ છે. દેવાદાર ખેડૂતોને બહાર લાવવા પણ અમોએ તેઓ સાથે ચર્ચાઓ, મિટિંગો કરી દેવામાંથી બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સંસ્થાને આજુબાજુની સુગર મીલોની હરોળમાં લાવવા માટે સભાસદ ખેડૂતોનો સાથ સહકાર જોઈશે. કસ્ટોડિયન કમીટીના પ્રયત્નથી જે ધિરાણ બાકી હતું એમાથી રૂ।. ૫ થી ૬ કરોડ વસુલાત આવેલ છે. ૨.૫ કરોડ હિમાચલ પ્રદેશમાં ફસાયેલ પૈસા પણ પરત મળવાની શકયતા હોય કાર્યવાહી ચાલુ છે. સંસ્થામાં મેંટેનન્સ ખર્ચ ઘટાડેલ છે, પગાર ખર્ચમાં ઘટાડો કરેલ છે, ડીઝલ-પેટ્રોલમાં જે ઘટ માન્યતા મુજબ કરતાં વધુ આવતી હતી તે સદંતર રીતે ઓછી થવા પામેલ છે. શેરડીના જથ્થાની કટોકટી દરેક સુગર માટે સમસ્યા રૂપ છે. જેથી સંસ્થાની પીલાણ ક્ષમતાને પહોચી વળવા બિન મંજુરીની શેરડી લાવવા આપણે પ્રયત્નો કરવા પડશે. કેન્દ્ર સરકારશ્રીએ વિદેશી હુંડિયામણ બચાવવાના અને ખેડૂતોને તેમજ સુગર મિલોને લાભ મળે એવી સરાહનીય કામગીરી કરી વર્ષ ૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં ૨૦% ઈથેનોલ મીક્ષ કરવાનો નિર્ણય લીધો છે જે ખૂબ જ આવકાર દાયક પગલું છે. આ માટે ચેરમેનશ્રીએ સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો હતો. વધુમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેને ખાસ ભરૂચ ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન શ્રી અરુણસિંહ રણા નો વખતોવખત જરૂરિયાતના સમયે સંસ્થાને મદદરૂપ થઈ ફંડ પૂરું પાડવા બદલ આભાર વ્યકત કર્યો હતો. વર્ષ ૨૦૨૩-૨૪ માં એક એકર થી વધુ ઉત્પાદન મેળવેલ સભાસદોને હાજર મહાનુભવોના હસ્તે ઈનામ વિતરણ કરી, સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ઈચા. મેનેજીંગ ડિરેકટર એ એજન્ડાના કામો દર્શાવતા તમામ હાજર સભાસદોએ તમામ કામો સર્વાનુમતે મંજુર કર્યા હતા અને કસ્ટોડિયન કમિટીની કામગીરી ઉપર અતુટ વિશ્વાસ દર્શાવ્યો હતો. જેના પરિણામે આ સભામાં એક પણ પ્રશ્નોતરી મળવા પામેલ ન હતી. અંતે સંસ્થાના ડિરેકટરશ્રી હરેન્દ્રસિંહ ખેરે આભારવિધિ કરી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી



