ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે શુભારંભ…

પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ
૧૫/૧૧/૨૦૨૪
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી પ્રાચીન ગરિમા, આસ્થા અને વિરાસતના કેન્દ્રોને પુનઃસ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે તેમ જણાવી રાજ્યપાલે વધુમાં કહ્યું હતું કે, વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ ઈમાનદારીથી યોગદાન આપી ભારતને વિશ્વગુરૂ બનાવવા પ્રતિબદ્ધ થઈએ ત્યારે જ ભગવાન બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ અર્પી કહેવાશે.
આ વેળાએ ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગ ખાતેથી રાજ્યપાલના હસ્તે શુભારંભ કરાયો હતો. તેમજ આદિજાતિ વિભાગના યોજનાકીય લાભોનું લાભોર્થીઓને રાજ્યપાલના હસ્તે વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારના જમુઈથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન-પીએમ જનમનના લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કર્યો હતો. અને આ સાથે જ ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનું સોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ વેળાએ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખો, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



