ગુજરાતમાં શ્રીકાર વર્ષા યથાવત્, 206 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ, આઠ જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી દીધી છે અને સોમવારે (પહેલી જુલાઈ) 206 તાલુકામાં 8.25 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના કેશોદમાં સૌથી વધુ 8.25 ઈંચ, દ્વારકાના ખંભાળિયામાં 8 ઈંચ, જ્યારે જૂનાગઢના વંથલી, માણાવદર અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
આ ઉપરાંત દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ સહિત ભારે વરસાદ થયો છે. રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ પંથકમા૨થી 8 ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર આસપાસ એક ઈંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એકથી ચાર ઈંચ, મોરબી, ટંકારા સહિત જિલ્લામાં ત્રણથી ચાર ઈંચ, અમરેલી જિલ્લામાં 3 ઈંચ સુધી વ્યાપક વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર પર સોમવારે જળધોધ વરસાવીને મેઘરાજાએ જળબંબાકાર કર્યું હતું.
સોમવારે 100 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને 14 ટકા થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે (બીજી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.





