Dhoraji: ધોરાજીના બાળક માટે આશીર્વાદ સમાન “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

તા.૨૧/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ધર્મેશ ભુરીયાની જન્મજાત તૂટેલા હોઠ અને તાળવાની વિનામૂલ્યે સારવાર કરાઈ
Rajkot, Dhoraji: માનવીના શરીરમાં દરેક અંગ મહત્વપૂર્ણ હોય છે. જો કોઈપણ અંગ ખામીયુક્ત હોય તો નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડે છે. જીવન સામાન્ય રીતે જીવી ન શકતા, માનવીનો વિકાસ રૂંધાય છે પરંતુ જો રોગની સારવાર સમયસ૨ થાય તો જીવન આનંદથી જીવી શકાય છે. આવું જ કંઈક બન્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજીના એક મજૂરીકામ કરતા પરિવારમાં.
ધોરાજીના મજૂરીકામ કરતાં પરિવારમાં તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ એક બાળકનો જન્મ થયો. બાળકના પિતા શ્રી વિજયભાઈ ભુરીયા અને પરિજનોએ હરખભેર તેનું નામ પાડ્યું ધર્મેશ. પરંતુ ધર્મેશનાં હોઠ અને તાળવું તૂટેલા હોવાથી પરિવાર ચિંતામાં રહેતો. દીકરાની આ તકલીફને જોઇને માતા-પિતા દુ:ખી થઇ જતા. એવામાં આશાબહેને વાડી વિસ્તારમાં મુલાકાત કરતા, તેને આ બાળક વિશે જાણ થઈ. તેણે આર.બી.એસ.કે. ટીમને વાત કરી. આર.બી.એસ.કે.ની ટીમે તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ આ બાળકનું સ્ક્રિનિંગ કર્યું. જેમાં બાળકને જન્મથી જ ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ (હોઠ અને તાળવું તુટેલું) હોવાનું નિદાન થયું.
આર.બી.એસ.કે. ટીમના શ્રી ડો. ગૌતમ મકવાણા અને શ્રી હિરલ ઠુંમરે સહાનુભૂતિપૂર્વક આ પરિવારને સમજાવવાના પ્રયત્નો કર્યા કે સમયસર સારવાર કરાવવામાં આવે તો આ ખામી દૂર થઇ શકે છે. જેના સફળ કિસ્સાઓ પણ તેમને સંભળાવ્યા. તેઓને હિંમત આપી કે ધર્મેશની સમસ્યાનો ઈલાજ થશે તો તે પણ અન્ય બાળકોની જેમ જમતો થઈ જશે. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે આ સારવાર કરવા દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. ત્યારે મજૂરીની આવકમાંથી સારવારનો ખર્ચ કઈ રીતે પોસાય તેની ચિંતા પેઠી. આ વખતે પરિવારને ફરીવાર આર.બી.એસ.કે. ટીમે સમજાવ્યું કે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ પ્રકારની ખામીવાળા બાળકોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. જેથી, તમે ચિંતા કરશો નહીં. અંતે ધર્મેશને ધ્રુવ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી. ધર્મેશના માતા-પિતાએ ભાવવિભોર થઈને આર.બી.એસ.કે. ટીમ સહીત આરોગ્ય તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમની કામગીરીથી વધુ ને વધુ બાળકોને લાભ થાય અને બાળક તંદુરસ્ત રહે, તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફુલમાલીના માર્ગદર્શનમાં “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”નું આયોજન અને મૂલ્યાંકન કરીને જરૂરી સૂચનો આપવામાં આવે છે.



