Dhoraji: ઓસમ પર્વત પર આરોહણ-અવરોહણ સ્પર્ધાના દિવસે પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ

તા.૩૦/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૨ જાન્યુઆરીએ સ્પર્ધાના સુચારુ આયોજન માટે સવારે પર્વતના પગથિયા પર પ્રવેશબંધી ફરમાવાઈ
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલા ઓસમ પર્વત પર આગામી ૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજ્યકક્ષાની પર્વતારોહણ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોને કોઈ અડચણ ના થાય હેતુથી રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછારે જાહેરનામા મારફત સ્પર્ધાના દિવસે પર્વતના પગથિયા પર પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવી છે.
આ જાહેરનામા મુજબ, ૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મધ્યરાત્રિના ૧૨ કલાકથી બપોરના ૧૨ કલાક સુધી ઓસમ પર્વતના સીડીના પગથિયા પર સામાન્ય પ્રવાસીઓ, યાત્રાળુઓ કે અન્ય વ્યક્તિઓ અવરજવર કરી શકશે નહીં. સ્પર્ધા માટે અધિકૃત અધિકારીઓ, સ્વયંસેવકો અને કાયદેસરની ફરજ બજાવતા કર્મચારીઓને આ જાહેરનામુ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.



