MORBI:મોરબીમાં અષાઢી બીજની રાસ ગરબા-હુડા ની રમઝટ સાથે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નિકળી
મોરબી : મોરબીમાં આજે અષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મોરબીમાં છેલ્લા 150 વર્ષથી યોજાતી આ પરંપરાગત શોભાયાત્રાનું મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી દ્વારા મહેન્દ્રપરા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી

રબારી અને ભરવાડ સમાજના આસ્થાના પ્રતીક સમાન આ શોભાયાત્રામાં રાસ અને હુડોની જમાવટ વચ્ચે ભક્તિ સાગર ઘુઘવાટા માર્યા હતા. સવારે 9.30 કલાકે પ્રારંભ બાદ બે કિલોમીટરની આ શોભાયાત્રાનું બપોરે 1.30 કલાકે સમાપન થયું હતું. આ પ્રસંગે મહાઆરતી, મહાપ્રસાદ (ફરાળ), ડાક ડમરૂ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભરવાડ-રબારી સમાજના એકતાના પ્રતીક એવા મોરબીવાળા શ્રી મચ્છુ માતાજી તથા પુનીયા મામાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે છેલ્લા દોઢસો વર્ષથી દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતું. આજે રવિવારે અષાઢી બીજના પાવન અવસરે સવારે 9-30 કલાકે મચ્છુ માતાજીની જગ્યા- મહેન્દ્રપરા શેરી નંબર-17થી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને શહેરના રાજમાર્ગ પરથી પસાર થઈ હતી. શોભાયાત્રામાં યુવક-યુવતીઓ દાંડીયા રાસ, હુડો તથા સાંસ્કૃતિક રમતો રમતા મચ્છુ માતાજીના મંદિર (કોઠે), દરબારગઢ પહોંચ્યા હતા. શોભાયાત્રામાં ગોપાલ ભરવાડ એન્ડ ગ્રુપ, ભાવેશ ભરવાડ અને સાવન ભરવાડ રાસની રમઝટ બોલાવી હતી.

આ દરમ્યાન આજરોજ મોરબી શહેરમાં અષાઢી બીજ નિમિત્તે નીકળેલ રથયાત્રાનું મોરબી જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા સમાજમાં ભાઈચારાનો સંદેશો ઉજાગર કરવા સમગ્ર સમાજમાં એકતાનો સંદેશ ફેલાવવા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, મોરબી સુમરા સમાજ કાર્યકારી પ્રમુખ અહેમદ ડી. સુમરા, આગેવાન મહેશભાઈ પરમાર અને અન્ય કાર્યકર્તાઓએ આ રથયાત્રાનું સ્વાગત કરી રથયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ શોભાયાત્રામાં બનાસકાંઠાના થરાના મહાદેવ ગામના ઝાઝાવડાદેવ-ગ્વાલીનાથના મહંત મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી શિવપુરીજી મહારાજ, દ્વારકાના શિવપુરી ધામના મહેશપુરી (મુન્નાબાપુ) ઉપસ્થિત રહી દર્શનનો લાભ આપ્યો હતો. આ ઉપરાંત મચ્છુ યુવા ગ્રુપ- મોરબી દ્વારા સાંજે 7 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં અંદાજે એક લાખ લોકો જોડાનાર હોવાનું જગ્યાના મહંત કિશન ભગતે જણાવ્યું હતું. આ અવસરે 35 હજાર ભક્તો માટે મહાપ્રસાદ (ફરાળ)ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે રાત્રે 10 કલાકે ડાક કલાકાર ભવદીપભાઈ રાવળદેવ ડાક ડમરૂની રમઝટ બોલાવશે.








