AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ડાયપર નહીં, ડિગ્નિટી’: બ્લેડર એક્સ્ટ્રોફી ધરાવતા બાળકો માટે રિયૂઝેબલ ‘BE-Dry’ ડાયપરથી શિક્ષણ અને આત્મસન્માનને નવી દિશા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

બાળપણ એટલે નિખાલસ હાસ્ય, રમતો અને શિક્ષણનો સમય. પરંતુ બ્લેડર એક્સ્ટ્રોફીની જન્મજાત સમસ્યા ધરાવતા અનેક બાળકો માટે શાળાએ જવું પણ એક મોટો પડકાર બની રહે છે. પેશાબ લીક થવાની સમસ્યાના કારણે વારંવાર કપડાં ભીના થવા, દુર્ગંધ અને સાથી બાળકોની મજાકના ડરથી આવા બાળકો માનસિક રીતે તૂટી જાય છે અને ઘણી વખત શિક્ષણથી પણ વંચિત રહી જાય છે. આ કઠોર વાસ્તવિકતાને બદલવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વૈશ્વિક સંસ્થાઓ અને દાનશીલ પરિવારોની સંવેદનશીલ પહેલ સામે આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ બ્લેડર એક્સ્ટ્રોફી કોલાબોરેટિવ, અમેરિકાની એસોસિએશન ફોર ધ બ્લેડર એક્સ્ટ્રોફી કોમ્યુનિટી અને સુરતના મોદી પરિવારના સહયોગથી બ્લેડર એક્સ્ટ્રોફી ધરાવતા બાળકો માટે ‘BE-Dry’ નામનો રિયૂઝેબલ ડાયપર તૈયાર કરવામાં આવ્યો છે. આ ડાયપર માત્ર એક આરોગ્ય સહાયક સાધન નથી, પરંતુ આવા બાળકોના આત્મસન્માન, સ્વતંત્રતા અને ભવિષ્યની આશાનું પ્રતીક બની રહ્યો છે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા રાકેશ જોષીએ જણાવ્યું હતું કે બ્લેડર એક્સ્ટ્રોફી એક જટિલ જન્મજાત બીમારી છે, જેમાં અનેક સર્જરીઓ બાદ પણ 20 થી 25 ટકા બાળકોમાં યુરિન લીકેજની સમસ્યા કાયમી રહે છે. શાળામાં કપડાં ભીના થઈ જવાથી બાળક લઘુતાગ્રંથિ અનુભવે છે અને ધીમે ધીમે સમાજથી અલગ થવા લાગે છે. ગરીબ પરિવારો માટે રોજબરોજ મોંઘા ડિસ્પોઝેબલ ડાયપર ખરીદવા અશક્ય હોવાથી અનેક બાળકો ભીના કપડાંના કારણે શિક્ષણથી દૂર રહી જાય છે.

આ સમસ્યાનો કાયમી અને વ્યવહારુ ઉકેલ શોધવા છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસો ચાલી રહ્યા હતા. આ દરમિયાન અમેરિકાની A-BE-C સંસ્થાના પ્રતિનિધિઓએ પણ સ્વીકાર્યું કે બ્લેડર એક્સ્ટ્રોફી માત્ર તબીબી નહીં પરંતુ ગંભીર સામાજિક અને માનસિક સમસ્યા છે, જેમાં બાળકના આત્મસન્માનનો સીધો પ્રશ્ન જોડાયેલો છે.

આ પરિસ્થિતિમાં સુરતના દાનશીલ વિનય મોદી અને અંજુ મોદીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. વિદેશમાં ઉપલબ્ધ મોંઘા ડાયપરની ડિઝાઇનને ભારતીય જરૂરિયાત અને આર્થિક પરિસ્થિતિ મુજબ અનુકૂળ બનાવીને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં તેમનો સહયોગ નિર્ણાયક સાબિત થયો. મોદી પરિવારે અંદાજે 1.5 લાખ રૂપિયાના ખર્ચે 140 જેટલા બાળકોને 8 રિયૂઝેબલ BE-Dry ડાયપર ભેટ આપ્યા છે, જેના કારણે પરિવારો પરનો આર્થિક બોજ ઘણો હળવો થયો છે.

અનુભા ઇનોવેટર્સ દ્વારા તૈયાર કરાયેલા આ BE-Dry ડાયપરમાં રિયૂઝેબલ અન્ડરવેર સાથે બદલી શકાય તેવા પેડ્સનો સમાવેશ થાય છે, જે લાંબા સમય સુધી ઉપયોગી રહે છે અને સ્વચ્છતા જાળવવામાં પણ સહાયક છે. પરિણામે હવે અનેક બાળકો નિર્ભયતાથી શાળાએ જઈ શકે છે અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે.

રાકેશ જોષીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પહેલથી હવે કોઈપણ બાળક માત્ર પેશાબ લીક થવાની શરમના કારણે શિક્ષણ કે સમાજથી દૂર નહીં રહે. આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે જ્યારે તબીબી નિષ્ણાતો, વૈશ્વિક સંસ્થાઓ અને સમાજના દાનશીલ લોકો એકસાથે આવે છે, ત્યારે સર્જાય છે સાચો પરિવર્તન — જ્યાં ડાયપર માત્ર જરૂરિયાત નથી, પરંતુ ડિગ્નિટીનું રક્ષણ બને છે.

Back to top button
error: Content is protected !!