વાગરા: સાયખાં,વિલાયત અને દહેજ GIDC માં ભ્રષ્ટાચાર અંગેની પ્રેસવાર્તા થતા પંથકમાં ખળભળાટ

સમીર પટેલ, ભરૂચ
રાજ્ય સરકારની તિજોરીને કરોડોનું નુકશાન કરનારા એમ.ડી સામે તથસ્થ તપાસની અજીતસિંહ રાજની માંગ
જેની સામે ભ્રષ્ટાચાર થયો તે કચેરીએજ તપાસ આરંભતા ખેડૂત અગ્રણીનો વિરોધ : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખાં, વિલાયત અને દહેજ GIDC માં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાના ખેડૂત અગ્રણીએ આક્ષેપો કરતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. વડાપ્રધાનને પાઠવેલ પત્રને અનુસંધાને GIDCની વડી કચેરી દ્વારા જ તપાસ આરંભતા અરજદારને સહી વગરનો પત્ર પાઠવી બોલાવતા શંકા વ્યક્ત કરી હતી. આ અંગેની અરજદારે વાગરા ખાતે પ્રેસ વાર્તા કરી GIDC માં થયેલ ભ્રષ્ટાચારની તથસ્થ તપાસની માંગ કરતા GIDCની કચેરીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
GIDC વડી કચેરીએ સહી વિનાનો પત્ર પાઠવી હાજર રહેવા ફરમાન કરતા અરજદારને શંકા કુશંકા :- ભરૂચ જિલ્લો ઉધોગોથી ધમધમતો થાય અને રાજ્ય તેમજ દેશ પ્રગતિના પંથે જાય એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત પ્રયાસોનું પરિણામ છે.પરંતુ વાગરાની દહેજ,વિલાયત અને સાયખાં GIDCમાં પ્લોટ ફાળવણી માં કથિત ભ્રષ્ટાચાર થયાની દિલ્હી સુધી વાગરાના વહિયાલ ગામના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજએ વડાપ્રધાનને લેખિત ફરિયાદ કરી હતી. આ અંગે ગાંધીનગર GIDC વડી કચેરીએ પી.એમ. ને લખેલ પત્ર સામે તપાસ આરંભી હતી. કચેરીએ અરજદારને સહી વિનાનો પત્ર પાઠવી વડી કચેરીએ આધાર પુરાવા લઈ ફરમાન કર્યું હતુ. GIDC ના તુઘલખી અને સહી વિનાનો પત્ર પાઠવતા અરજદારે આ પત્રને સાચો ગણવો કે કેમ તે સામે સવાલો ઉભા કરી તપાસ ખોટી દિશામાં જતી હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે વાગરા ખાતે યોજેલ પ્રેસ વાર્તામાં વધુમાં જણાવ્યુ હતુ કે જે વિભાગના એમ.ડી. રાહુલ ગુપ્તા સામે જ ભ્રષ્ટાચાર ના આક્ષેપો હોય અને તેમના પાસે જ તપાસ હોય તો ન્યાય કઈ રીતે મળશે????આ તો દુધનું રખોપુ બિલાડીને આપવા બરાબર છે.જો આ રીતે જ તપાસ થશે તો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કેમ તેની ખબર કઇ રીતે પડશે.
નિગમના ઉચ્ચ સ્તરીય અધિકારીઓએ કૌભાંડ આચરતા પ્રધાન મંત્રીને થયેલ રજુઆતને પગલે GIDC વડી કચેરીમાં ધમધમાટ :- GIDC માં પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં સેચ્યુરેટેડ ઝોન હોય ત્યાં પ્લોટ મેળવવા માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે. અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવાના હોય છે. જેટલી હરાજી ઊંચી આવે એટલી રાજ્ય સરકાર ની તિજોરીમાં વધારો થાય.પરંતુ એમ.ડી રાહુલ ગુપ્તાએ સેચ્યુરેટેડ ઝોનને અનસેચ્યુરેટેડ ઝોનમાં ફેરવી દઈ પોતાના માનીતાઓને સસ્તા પ્લોટની ફાળવણી કરી લ્હાણી કરી છે. જ્યારે રાજ્ય સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. અરજદારે નિષ્પક્ષ તપાસ કરવા માટે પુનઃ વડાપ્રધાન ને પત્ર પાઠવ્યો છે.હવે જોવુ રહ્યુ કે આગળની કાર્યવાહી કેવી રીતે થાય છે. હાલ તો અરજદાર ન્યાય માટે વલખાં મારી રહ્યા છે.




