Upleta: બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓને પોષણયુક્ત બનાવવા આઇસીડીએસ ટીમ પ્રયત્નશીલ

તા.૧૯/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ઉપલેટાના પાનેલી ગામે વિદ્યાર્થિનીઓને પોષણલક્ષી માર્ગદર્શન અપાયું
Rajkot, Upleta: રાજકોટ જિલ્લાના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓને પોષણયુક્ત બનાવવા આઇસીડીએસ ટીમ પ્રયત્નશીલ છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેના માર્ગદર્શનમાં તથા પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજીના સંકલનમાં આઇસીડીએસની ટીમો ગ્રામીણ વિસ્તારોમાં એક્ટિવ મોડમાં પોષણલક્ષી અવેરનેસ કાર્યક્રમો કરી રહ્યા છે.
જે અંતર્ગત ઉપલેટાના પાનેલી ગામની કે.જે.પટેલ હાઈસ્કૂલ ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ હતી. હાઈસ્કૂલ ખાતે આઇ.સી.ડી.એસ, આરોગ્ય વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એનિમિયા કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થિનીઓને એનિમિયા વિશે વિસ્તૃત સમજ આપવાની સાથે એનિમિયા નિવારણ માટે ઉપાયો જણાવ્યા હતા.
સીડીપીઓશ્રી ઉર્વશીબેન જાડેજાએ પોષણ માસ વિશે વિસ્તૃત જાણકારી આપી પૂર્ણાશક્તિનું રોજિંદા આહારમાં મહત્વ, વાનગી નિદર્શન તેમજ” પોષણ એટલાસ ” એપ્લિકેશનથી વિદ્યાર્થીનીઓને વાકેફ કર્યા હતા. આ ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી શ્રી નયનભાઈ લાડાણીએ પોષણ લક્ષી ખોરાક અને તંદુરસ્ત આરોગ્યનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓ, આરોગ્ય અને આઇસીડીએસના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
જાણો પોષણ એટલાસ એપ શું છે?
પોષણ એટલાસ એપમાં ન્યુટ્રિમીટર, પોષણ રેસિપી , પોષણ ગેમ્સ, પોષણ ટિપ્સ વગેરે પોષણ લક્ષી માહિતી રસપ્રદ રીતે આપતી એપ છે. જેના દ્વારા કોઈપણ વ્યક્તિ પોષણ સબંધિત કોઈ પણ માહિતી સહેલાઇથી મેળવી શકે છે.



