
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામમાં ઘરેલુ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઇન્ડિયન ગેસ એજન્સી પર અચાનક ઓનલાઈન બુકિંગ સેવા બંધ થઈ જતાં ગ્રાહકોમાં અસંતોષ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગેસ સિલિન્ડર મેળવવા માટે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સાધલી ગામે આવેલ ઇન્ડિયન ગેસ એજન્સી પર પહોંચી ગયા હતા. મહિલાઓ અને વડીલો સહિત અનેક ગ્રાહકો લાંબી કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા. ઓનલાઈન બુકિંગ બંધ થઈ જતાં ગેસ મેળવવા માટે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રાહકોનું કહેવું છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ અચાનક ઓનલાઈન બુકિંગ બંધ થવાથી સામાન્ય જનતાને મોટી મુશ્કેલી પડી રહી છે.
આ અંગે ગેસ એજન્સીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ખાસ કરીને ઈરાન–ઇઝરાયેલ તણાવના કારણે ગેસ સપ્લાય પર અસર પડી રહી છે. જેના કારણે ઉપરથી થોડા સમય માટે ઓનલાઈન બુકિંગ સિસ્ટમ બંધ રાખવામાં આવી છે. સપ્લાય નિયમિત બન્યા બાદ ફરીથી બુકિંગ શરૂ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી.
સ્થાનિક લોકોએ તંત્રને માંગ કરી છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને સમયસર ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવે.




