GUJARATKUTCHMUNDRA

ભચાઉના શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા રાજણસર પ્રાથમિક શાળાના બાળકોને ધાબળા અને શૈક્ષણિક કિટનું વિતરણ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ભચાઉના શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા રાજણસર પ્રાથમિક શાળાના બાળકોને ધાબળા અને શૈક્ષણિક કિટનું વિતરણ

મુંદરા,તા.2: શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વારા માનવતાવાદી અભિગમ સાથે રાજણસરની નિવાસી પ્રાથમિક શાળામાં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. પૂજ્ય પંન્યાસ ભગવંત અનંતજ્ઞાન વિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્ય અનંતચારિત્ર વિજયજી મહારાજ સાહેબ આદિ સાધુ-ભગવંતોની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં શાળાના 78 બાળકોને કડકડતી ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા તેમજ અભ્યાસ માટે બોલપેન અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે 6:30 કલાકે પૂજ્ય સાધુ ભગવંતોના મુખે નમસ્કાર મહામંત્રના ગાન સાથે કરવામાં આવી હતી. પૂજ્યશ્રીની મંગલ નિશ્રામાં જ તમામ બાળકોને અર્પણ વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મહાવીર અનુકંપા કેન્દ્રના સભ્યો સર્વશ્રી અરવિંદ મહેતા, અશોકભાઈ વોરા, ચેતન ગાંધી, ગૌતમ શાહ, પ્રકાશ શેઠ, તીર્થ મહેતા, વીર મોરબિયા, જેનીલ મહેતા, જૈનમ શાહ, જિનાંશ મહેતા, ધ્યાન ત્રેવાડીયા અને નમ્ર શેઠ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા.
શાળાના ગૃહપતિ ભાવિનભાઈ પટેલે અનુકંપા ટીમની આ ઉમદા કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે રાજેશભાઈ કુબડિયાએ સંસ્થાની આ પ્રવૃત્તિને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. આ અંગેની વિગતો મુંદરાથી વિનોદ મહેતા દ્વારા આપવામાં આવી હતી.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!