
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ


ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર અહીંના ગ્રામીણ વિસ્તારના પ્રજાજનોને ખરીદ, વેચાણની તક પૂરી પાડતા સાપ્તાહિક બજારો, ગ્રામીણ હાટ નિયત વારે ભરવામાં આવે છે. જેમાં જે તે ગામ ઉપરાંત આસપાસના વીસ પચ્ચીસ ગામોના લોકો ઉમટી પડતા હોય છે. હજારોની સંખ્યામાં એક જ જગ્યાએ સ્વયંભૂ ઉમટી પડતી આ જનમેદની સુધી, રાજ્ય સરકારનું પ્રકીર્ણ પ્રકાશન હાથોહાથ પહોંચી શકે તે માટે, ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા આજરોજ મંગળવારના રોજ આહવા તાલુકાના ગલકુંડ ગામે આયોજિત હાટ/બજારમાં ઉપયોગી સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લાભ અંતરિયાળ વિસ્તારના પ્રજાજનોને તેમના ઘરઆંગણે જ મળવા પામ્યો હતો.
ઈનચાર્જ સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારના માર્ગદર્શન હેઠળ માહિતીકર્મીઓ સર્વશ્રી જિગ્નેશ ચોર્યા અને કરણ ભોયે દ્વારા સાહિત્ય વિતરણ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ઉપયોગી એવા ‘ગુજરાત’ પાક્ષિક તથા ‘રોજગાર સમાચાર’ સાપ્તાહિકના વિતરણ સાથે તેની ઉપયોગિતાની જાણકારી પણ, યુવા ગ્રામજનોને પૂરી પાડવામાં આવી હતી. સાથે માહિતી ખાતાની વોટ્સએપ ચેનલમાં જોડાવા માટેના QR કોડની વિગતો પણ ગ્રામજનોને પૂરી પાડવામાં આવી હતી.




